PM-CMને હટાવવાનાં બિલ મુદ્દે અમિત શાહનું સ્પષ્ટ નિવેદન: 'જેલમાં રહીને કોઈ સરકાર ન ચલાવી શકે!' | મુંબઈ સમાચાર
નેશનલ

PM-CMને હટાવવાનાં બિલ મુદ્દે અમિત શાહનું સ્પષ્ટ નિવેદન: ‘જેલમાં રહીને કોઈ સરકાર ન ચલાવી શકે!’

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર એવું બિલ લાવી રહી છે તેમાં જો કોઈ પ્રધાન, મુખ્ય પ્રધાન કે પ્રધાન મંત્રી 30 દિવસથી વધારે જેલમાં રહે છે તો તેને તે પદ પરથી હટાવી દેવામાં આવશે. સરકારે આ બિલ સંસદમાં રજૂ કર્યું હતું. આ બિલને વિપક્ષની દરેક સાંસદે વિરોધ કર્યો હતો. આ મામલે હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્પષ્ટતા કરી છે કે આખરે આ બિલ શા માટે લાવવામાં આવ્યું છે? શું ખરેખર આ બિલની ભારતમાં જરૂર છે? અમિત શાહે આ મામલે મહત્વની સ્પષ્ટતા કરીને પોતાનું નિવેદન આપ્યું છે.

મુખ્ય પ્રધાન જેલમાં રહીને સરકાર ચલાવી શકે?

બિલ મામલે અમિત શાહે કહ્યું કે, મેં સંસદમાં દેશના લોકોને પૂછ્યું હતું કે શું દેશના લોકો ઈચ્છે છે કે કોઈ પણ મુખ્ય પ્રધાન જેલમાં રહીને સરકાર ચલાવે? શું લોકો ઇચ્છે છે કે, કોઈ પણ વડા પ્રધાન જેલમાં રહીને પણ સરકાર ચલાવે? આ કેવા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, તે મારી સમજમાં નથી આવતું. આ બિલમાં નૈતિકતાનો સવાલ છે. જ્યારે અમિત શાહને સવાલ કરવામાં આવ્યો હતો કે, આ બિલ અંગે બંધારણમાં પહેલા કેમ ચર્ચા ના થઈ? અમિત શાહે કહ્યું કે, ત્યારે કોઈએ કલ્પના નહીં કરી હોય કે જેલમાં ગયા પછી પણ કોઈ રાજીનામું નહીં આપે!

આ પણ વાંચો: PM-CMને હટાવતા બિલ પર કોંગ્રેસના આકરા પ્રહારઃ કોંગ્રેસનો ભાજપ પર “ધ્યાન ભટકાવવા”નો આરોપ

કેજરીવાલ મામલે અમિત શાહે કહી આ વાત

અમિત શાહે કહ્યું કે 75 વર્ષમાં અનેક મુખ્ય પ્રધાનો અને પ્રધાનો જેલમાં ગયાં છે. દિલ્હીમાં એક ઘટના બની જેમાં દિલ્હીના મુખ્ય પ્રધાન જેલમાં રહીને પણ સરકાર ચલાવી રહ્યાં હતાં. તો પછી સંવિધાનમાં બદલાવ આવવો જોઈએ કે, નહી? વધુમાં કહ્યું કે, ‘મારું માનવું છે કે લોકશાહીમાં, નૈતિકતાના ધોરણને જાળવી રાખવાની જવાબદારી શાસક પક્ષ અને વિપક્ષ બંનેની છે’.

વિપક્ષ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર

બિલનો વિરોધ કરવામાં આવ્યો તેમાં વિપક્ષ અને આમ આદમી પાર્ટી પર અમિત શાહે વાક્ પ્રહાર કર્યાં છે. દિલ્હીમાં દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ હતી. તેમને જેલમાં મોકવામાં આવ્યાં હતા. છતાં અરવિંદ કેજરીવાલે જેલમાં રહીને સરકાર ચલાવી હતી. જો કે, તેમણે જેલમાંથી છૂટ્યા બાદ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ આથિશીને દિલ્હીના નવા મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યાં હતા. આમ આદમી પાર્ટી અત્યારે મોટાભાગે હારનો સામનો કરી રહી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button