વસિયતનામું કેમ બનાવવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? સંજય કપૂરની સંપત્તિના વિવાદે આપી મોટી શીખ

નવી દિલ્હી: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકના કારણે નિધન થયા બાદ હવે તેમની સંપત્તિનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. સમાયરા અને કિયાને પિતા સંજય કપૂરની બીજી પત્ની પ્રિયા સચદેવ પર તેમનું વસિયતનામું છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. સાથોસાથ તેમણે પ્રિયા સચદેવે રજૂ કરેલી વસીયતને શંકાસ્પદ, નકલી અને બનાવટી ગણાવી હતી. સંજય કપૂરની સંપત્તિના આ વિવાદે વસિયતનામાને લઈને ગાફેલ ન રહેવાની શીખ આપી છે. ત્યારે આ વસિયતનામું તૈયાર કરવું કેમ મહત્ત્વનું છે? તેને તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? એ જાણી લેવું જરૂરી છે.
સંપત્તિની વહેંચણીનું આયોજન ખૂબ જરૂરી
જો તમે એક જ લગ્ન કર્યા છે. તો સંપત્તિની વહેંચણી કરવામાં મોટી મુશ્કેલી ઊભી થતી નથી. પરંતુ જ્યારે તમે એકથી વધુ લગ્ન કરો છો, તો તમારે તમારી સંપત્તિની વહેંચણીનું આયોજન સ્પષ્ટ અને પારદર્શક રીતે કરવું જોઈએ અને તેનો વ્યવસ્થિત રીતે વસિયતનામામાં ઉલ્લેખ કરવો જોઈએ. વસિયતનામું એક કાનૂની દસ્તાવેજ ગણાય છે. જેથી તેને તૈયાર કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
વસિયતનામું ક્યારે અમાન્ય ગણાય
વસિયતનામું લેખિતમાં હોવું જોઈએ. મૌખિક વસિયતનામું માત્ર ખાસ કિસ્સાઓમાં જ માન્ય ગણાય છે. વસિયત બનાવનાર વ્યક્તિ દ્વારા અથવા તેમની હાજરીમાં કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તેના પર સહી કરવી ફરજિયાત છે. ઓછામાં ઓછા બે સાક્ષીઓએ વસિયત બનાવનારની હાજરીમાં સહી કરવી આવશ્યક છે. વસિયતનામું બનાવતી વખતે વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોવી જોઈએ. જો તે સાબિત થાય કે વ્યક્તિ દબાણ હેઠળ હતી, તો વસિયતનામું અમાન્ય ગણી શકાય છે.
કાનૂની દસ્તાવેજો અપડેટ રાખો
ઉલ્લેખનીય છે કે, સંપત્તિના માલિકે તેમની વારસાઈ યોજનાઓ વિશે પરિવારના સભ્યો સાથે ખુલ્લી ચર્ચા કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં ગેરસમજણ અને વિવાદ ટાળી શકાય. જીવનમાં લગ્ન, છૂટાછેડા, અથવા બાળકોનો જન્મ જેવા મોટા ફેરફારો પછી કાનૂની દસ્તાવેજોની નિયમિત સમીક્ષા અને અપડેટ કરાવવી અત્યંત જરૂરી છે.જોકે, સંજય કપૂરની સંપત્તિના કેસમાં સંજય કપૂરે નક્કી કર્યા પ્રમાણે તેના સંતાનો સમાયરા અને કિયાનને ‘રાની કપૂર ટ્રસ્ટ’ દ્વારા 1900 કરોડની સંપત્તિ સોંપી દેવામાં આવી છે. આ વિવાદ એ શીખવે છે કે યોગ્ય એસ્ટેટ પ્લાનિંગ માત્ર એક કાનૂની ઔપચારિકતા નથી, પરંતુ પરિવાર માટે એક સુરક્ષા કવચ છે.



