EMI પર iPhone: સ્ટેટસ કે લોનનો બોજ? રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે જ્યારે પણ iPhone લોન્ચ થાય લોકોમાં અનેરો ઉત્સાહ ભરાઈ જાઈ છે. આ વચ્ચે 9 સપ્ટેમ્બરના રોજ iPhone પોતાની 17મી સીરીઝ લોન્ચ કરી દીધી છે. આ વર્ષે પણ નવી ડિઝાઈન અને અપડેટ વરઝનને લઈ iPhone લોકોની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. Apple iPhone 17 સિરીઝનું વેચાણ શરૂ થતાં જ દેશભરના સ્ટોર્સ બહાર લાંબી કતારો અને ભીડના દૃશ્યો સર્જાઈ રહ્યા છે. પરંતુ વાસ્તવિક વેચાણના આંકડાઓ બતાવે છે કે iPhone ભારતીયોના દિલોમાં કેવી રીતે સ્થાન જમાવી રહ્યું છે. આ ફોન ન માત્ર ટેકનોલોજીનું પ્રતીક છે, પરંતુ સામાજિક દરજ્જાનું પણ પ્રતીક બની ગયું છે.
લોન્ચ સાથે વેચાણનો ડેટા
રિટેલના સ્ટોરના અહેવાલો પ્રમાણે 2025ના જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં 25% iPhone ખરીદદારોએ EMI, ક્રેડિટ કાર્ડ કે NBFC લોન દ્વારા આ ફોન ખરીદ્યા. નો-કોસ્ટ EMIની સુવિધાએ ખાસ કરીને નાના શહેરો અને નગરોમાં iPhoneનું વેચાણ વધાર્યું છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે ભારતીયો માટે iPhone માત્ર એક ફોન નથી, પરંતુ એક લાઇફસ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે, જે નાના હપ્તાઓ દ્વારા લોકો માટે સુલભ બન્યું છે.
એક સમયે iPhone ફક્ત સેલિબ્રિટીઝ અને શ્રીમંતોની પસંદગી હતું, પરંતુ EMIની સુલભતાએ તેને મધ્યમ વર્ગના ઘરો સુધી પણ પહોંચાડ્યો છે. ઘણા લોકો iPhoneને સામાજિક દરજ્જાના પ્રતીક તરીકે ખરીદે છે, જેના કારણે મોંઘા મૉડેલો પણ EMI પર ખરીદાય છે, ભલે પછી બે વર્ષના હપ્તા ચૂકવતી વખતે નવું મૉડેલ બજારમાં આવી જાય.
બધા લોકો iPhone દેખાડા માટે ખરીદતા નથી, ઘણા તેની શાનદાર પરફોર્મન્સ અને ગુણવત્તા માટે પણ તેને પસંદ કરે છે. iPhoneની ખાસિયત છે કે તે હેંગ થતો નથી, અને iPhone 11 જેવા જૂના મૉડેલો પણ આજે સરળતાથી ચાલી શકે છે. તેનો કેમેરો ઘણા Android ફ્લેગશિપ ફોન કરતા સારુ પરિણામ આપે છે, અને લાંબા સમયનો સૉફ્ટવેર સપોર્ટ તેને વિશ્વસનીય બનાવે છે. એટલા માટે ઘણા ગ્રાહકો દર વર્ષે નવું મૉડેલ ખરીદવાને બદલે સમજદારીપૂર્વક સોફ્ટવેર અપગ્રેડ કરી પણ કામ ચલાવે છે.
ભવિષ્યમાં iPhoneનું બજાર
ભારતમાં Appleનું બજાર સતત વિસ્તરી રહ્યું છે, અને EMI તથા ફાઇનાન્સિંગ વિકલ્પો આ વૃદ્ધિને વધુ હવા આપશે. પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે ફક્ત સ્ટેટસ માટે લાંબા ગાળાની EMIનો બોજો ઉઠાવવો નાણાકીય રીતે સમજદારી નથી. જેઓ iPhoneની ટેકનોલોજી અને સારી ગુણવત્તાને મહત્વ આપે છે, તેમના માટે આ ફોન એક ઉત્તમ રોકાણ છે, જે લાંબા સમય સુધી વિશ્વસનીય અનુભવ આપે છે.