કર્ણાટક હાઇકોર્ટની ટકોર, ગરીબોએ પોતાના બાળકોને ખાનગી શાળામાં કેમ મોકલવા પડે છે?

બેંગલુરુ: ચીફ જસ્ટિસ પ્રસન્ના બી. વરાલે અને જસ્ટિસ ક્રિષ્ના એસ. દીક્ષિતની બેંચે 2013માં કોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલમાં પૂછ્યું હતું કે શું શિક્ષણ માત્ર વંચિત બાળકો માટે જ આરક્ષિત છે. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે શાળાઓમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં સરકારની નિષ્ફળતાને કારણે એવા ગરીબ લોકો કે જેમને ત્રણ સમયનું ભોજન પણ પોષતું નથી તેમને પણ પોતાવા બાળકોને ખાનગી શાળાઓમાં મોકલવા પડે છે. અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટકોર કરી હતી.
કોર્ટે કહ્યું હતું કે સરકારી શાળાઓમાં શૌચાલય અને પીવાના પાણીની સુવિધાના અભાવને લગતી ખામીઓ 2013 માં દર્શાવવામાં આવી હતી પરંતુ આ ખામીઓને સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. કોર્ટે કહ્યું હતું કે અત્યાર સુધી 464 સરકારી શાળાઓમાં શૌચાલયની અછત છે અને 32 શાળાઓમાં પીવાના પાણીની પણ સુવિધા નથી. સરકારની નિષ્ક્રિયતા પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે તેને તમામ શાળાઓમાં આપવામાં આવતી પાયાની સુવિધાઓ અંગે આઠ અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું હતું કે શું આ બધું રાજ્યને જણાવવાનું અમારું કામ છે? આ બધું ઘણા વર્ષોથી ચાલતું આવ્યું છે. શાળાઓ અને શિક્ષણ વિભાગ માટે બજેટમાં કેટલીક રકમ દર્શાવવામાં આવી છે. તે રકમનું શું થયું? ગરીબો માટે રાજ્ય સરકારની મફત યોજનાઓનો ઉલ્લેખ કરતા કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તેને આવી યોજનાઓથી કોઈ સમસ્યા નથી પરંતુ જે શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે શાળાઓમાં આવશ્યક અને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું કોમ સર્વોચ્ચ અને મહત્વ હોવું જોઈએ. કોર્ટે કહ્યું હતું કે શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે. પરંતુ સરકાર સરકારી શાળાઓમાં સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે ગરીબ લોકોને તેમના બાળકોને ખાનગી શાળામાં મોકલવાની ફરજ પડી હતી. આનો આડકતરો ફાયદો ખાનગી શાળાઓને થઈ રહ્યો છે.