મુંબઇ: અમેરિકામાં ટ્રમ્પના વિજયના ઉન્માદમાં ૧૦૦૦ પોઇન્ટના ઉછાળા બાદ ઉન્માદ શમી જતાં ગુરુવારે શેરબજાર ઝડપી ગતિએ ૯૦૦ પોઇન્ટ નીચે ખાબકતા રોકાણકારો વિચારે ચડી ગયા છે. અત્યારે બજાર ૭૫૦ પોઇન્ટ જેવું નીચે છે અને ઘટાડો પચાવવાની કોશિશમાં છે.
યુએસ પ્રમુખપદની રેસમાં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ પાછલા સત્રમાં તાત્કાલિક સેન્ટિમેન્ટલ અસરને કારણે જોરદાર ઉછાળો નોંધાવ્યા બાદ ગુરુવારે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં સરકી ગયા છે. બજારની નજર હજુ અમેરિકા પર છે. રોકાણકારો હવે વ્યાજ દરનું મૂલ્યાંકન કરવા માટે યોજાનારી ફેડરલ રિઝર્વની બેઠક અને દર અંગેના આગામી નિર્ણય તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
Also Read – ટ્રમ્પ લહેર લાંબીના ટકી; ગ્રીન સિગ્નલમાં ખુલ્યા બાદ શેરબજારમાં મોટો કડાકો, 10 શેરો તૂટ્યા
અમેરિકન બજારોમાં ઉછાળો હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીની જીત પર ભારતીય શેરબજારોએ નકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. વિશ્લેષકો ચેતવણી આપે છે કે ટ્રમ્પની નીતિઓની અસરને કારણે રૂપિયો નબળો પડી શકે છે, દરમાં ઘટાડો થઈ શકે છે અને ભારતમાંથી વિદેશી રોકાણનો પ્રવાહ વધી શકે છે.
બજારના સાધનો અનુસાર, અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની આસપાસના પ્રારંભિક બજારનો ઉત્સાહ ગુરુવારે ઝડપથી ઓછો થઈ ગયો, કારણ કે રોકાણકારોને સમજાયું કે રિપબ્લિકન સ્વીપથી ભારતીય શેરબજારો માટે હકારાત્મક અને નકારાત્મક બંને અસરો થઈ શકે છે.
દલાલ સ્ટ્રીટનો ટ્રેન્ડ વોલ સ્ટ્રીટની પ્રતિક્રિયાથી તદ્દન વિપરીત હતો, જ્યાં ડાઉ જોન્સ 3.57% ઉછળ્યો હતો, અને નાસ્ડેક ત્રણ ટકા ઉછળીને તાજી નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.