તેજ પ્રતાપે ભગવાન રામની પ્રતિષ્ઠા પર કેમ એવું કહ્યું કે હજી કલ્કી અવતાર….
પટણા: ઘણા વાદ વિવાદો અને વિપક્ષોની નિવેદનો વચ્ચે 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત દેશના અનેક દિગ્ગજ લોકોએ ભાગ લીધો હતો. જો કે મોટાભાગના વિરોધ પક્ષોએ આ કાર્યક્રમને ફક્ત ભાજપનો કાર્યક્રમ ગણાવ્યો હતો. અને આ કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. ત્યારે હવે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહાર સરકારમાં પ્રધાન તેજ પ્રતાપ યાદવે પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ નિવેદન આપ્યું હતું.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ તેજ પ્રતાપ યાદવે મંગળવારે પોતાના એક્સ અકાઉન્ટ પરથી એક સંદેશ જારી કર્યો હતો જેમાં લખ્યું હતું કે રામ નથી આવી રહ્યા, પરંતુ ચૂંટણીઓ આવી રહી છે! ભગવાન શ્રી રામ આપણા મન, હૃદય અને દરેક કણમાં પહેલેથી બિરાજમાન છે. તેમજ સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતાર છે. તે જ રીતે ભગવાન વિષ્ણુનો છેલ્લો અવતાર “કલ્કી અવતાર” છે. અને કલ્કી અવતાર કળીયુગનો અંત કરવા માટે ધરતી પર આવશે.
આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા બાદ આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું હતું કે રામ દરેકના આત્મામાં છે. રામ અયોધ્યામાં પણ છે, રામ કાશ્મીરમાં પણ છે, રામ બિહારમાં પણ છે, રામ મહારાષ્ટ્રમાં પણ છે. બાપુની દરેક ક્રિયા અને દરેક ક્ષણમાં રામ હાજર હતા. આ ઉપરાંત તેમણે વડા પ્રધાનને ટોણો મારતા કહ્યું હતું કે મોદી ઈતિહાસના પુરાવાને નષ્ટ કરવાની કળામાં જાદુગર જેવા છે પરંતુ આ કળા દરેક જગ્યાએ કામ આવતી નથી. રામ મંદિરના અભિષેકનું કામ ન્યાયિક પ્રક્રિયા દ્વારા થયું છે પરંતુ તેને ભાજપે અને આરએસએસે પોતાનો કાર્યક્રમ બનાવી દીધો હતો.
નોંધનીય છે કે આ પહેલા રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમજ રાજ્યના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પણ આ કાર્યક્રમનો ભાગ બન્યા ન હતા.