દુબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુબઈમાં વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાંથી 2 ડિસેમ્બર 2023ના રોજ ભારત પરત ફર્યા હતા. જેના વિશે કેટલીક માહિતી વડા પ્રધાને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી અને તેમાં તેમણે દુબઇનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તેમના દિવસના કાર્યક્રમની ઝલક આપવામાં આવી હતી. આ ઉપરાંત વડા પ્રધાન કાર્યાલયે પણ એક પોસ્ટ શેર કરી હતી જેમાં વડા પ્રધાન મોદી પ્લેનમાં સવાર થયા બાદ ઘરે જતા જોવા મળે છે. આ ઉપરાંત પોસ્ટ કરીને લખ્યું હતું કે COP28 UAE સમિટ માટે દુબઈની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી જવા રવાના થયા.
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે દુબઇની COP28 સમિટમાં વડા પ્રધાને સ્વચ્છ અને હરિયાળા વિકાસને પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરી હતી. તેમજ શિખર સંમેલનની બાજુમાં વડા પ્રધાન મોદીની વિવિધ નેતાઓ સાથેની બેઠકમાં દ્વિપક્ષીય અને પ્રાદેશિક હિતોના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
પીએમ મોદીએ ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ, સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, જોર્ડનના શાસક અબ્દુલ્લા બે સાથે દ્વિપક્ષીય બેઠક યોજી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે પણ મુલાકાત કરી હતી.