એથિક્સ કમિટીની બેઠકની બહાર શા માટે નીકળી ગયા મહુઆ મોઈત્રા? જાણો મામલો
નવી દિલ્હી: એથિક્સ કમિટીની બેઠકમાંથી ગુસ્સામાં લાલઘુમ થઇને પગ પછાડતી તૃણમૂલ કોંગ્રેસની સાસંદ મહુઆ મોઇત્રા બહાર નીકળ્યા, અને એ પછી તેમણે બહાર ઉભેલા પત્રકારોને તરત કહ્યું કે એથિક્સ કમિટીના પેનલના સભ્યો તેમને “ગંદા સવાલો” પૂછી રહ્યા છે.
મહુઆ મોઇત્રાની સાથે પેનલમાં વિપક્ષના અન્ય સાંસદો પણ હતા. આ સાંસદોમાં બહુજન સમાજ પાર્ટીના દાનિશ અલી પણ હતા, જેમને સપ્ટેમ્બરના સત્રમાં ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ ઇસ્લામોફોબિક ટિપ્પણી કરીને અપમાનિત કર્યા હતા.
વિપક્ષના સાંસદોએ દાવો કર્યો હતો કે પેનલના પ્રમુખ ભાજપના સાંસદ વિનોદકુમાર સોનકર વારંવાર તૃણમૂલ નેતાને અંગત સવાલો કરી રહ્યા હતા. જેમાં ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની સાથે તેમના સંબંધોની વિગતો પણ સામેલ હતો. મહુઆ મોઇત્રાએ દર્શન હીરાનંદાનીને પોતાના સાંસદપદનું લોગઇન ક્રેડેન્શીયલ આપ્યા હોવાની કબૂલાત કરી હતી પરંતુ લાંચ લેવાની વાત નકારી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહુઆએ 2023માં હીરાનંદાનીનો કેટલીવાર સંપર્ક કર્યો? કેટલીવાર તેઓ દુબઇ ગયા? ત્યાં કઇ હોટલમાં તેઓ રોકાયા હતા? આ બધી બાબતો ઉપરાંત, તેમની યાત્રાઓનો ખર્ચ કોણે ઉઠાવ્યો? તેમની જગ્યાએ સવાલો કોણ પૂછી રહ્યું હતું એ બધી વાતો અંગે સવાલો કરવામાં આવતા મહુઆ અસહજ થઇ ગઇ હતી અને જોરજોરથી બૂમો પાડવા લાગી હતી.
વિપક્ષી સાંસદોએ દાવો કર્યો હતો કે મોઇત્રાએ કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેણે કહ્યું કે તે એક ફેમિલી ફંક્શન માટે દુબઈ ગઈ હતી અને ઓછામાં ઓછી ત્રણ વખત તેણે શહેરની મુલાકાત લીધી હતી. વિપક્ષી સાંસદોએ તેમને પ્રશ્નો પૂછવાનો મોકો ન મળતા વોક આઉટ કર્યું હતું.
વિપક્ષોએ મહુઆનો બચાવ કરતા જણાવ્યું હતું કે તેમના દ્વારા શેર કરાયેલી આઈડીનો ઉપયોગ સંસદ સત્ર પહેલા પ્રશ્નો પોસ્ટ કરવા માટે જ થતો હતો અને તેના ટીકાકારો અને આક્ષેપ કરનારાઓએ દાવો કર્યો છે તેમ તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા સામે કોઇ જોખમ ઉભું નથી થતું.
મહુઆએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાઇએ તેમના પર ‘કડવા વ્યક્તિગત સંબંધો’ને કારણે આરોપો લગાવ્યા છે. દેહાદ્રાઇએ સીબીઆઇ પાસે ફરિયાદ દાખલ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિમાં અન્ય કોઈને બોલાવવાની કોઈ શક્યતા નથી. કમિટી હવે તેનો રિપોર્ટ તૈયાર કરશે. રિપોર્ટની તપાસ માટે સમિતિની બીજી બેઠક મળશે.