ઑપરેશન સિંદૂરની વાત કરતા અમિત શાહને અચાનક ડૉ. મનમોહન સિંહ કેમ યાદ આવ્યા

નવી દિલ્હીઃ નવી દિલ્હી ખાતે હાલમાં સસંદમાં ઑપરેશન સિંદૂર મામલે ચર્ચા થઈ રહી છે અને વિપક્ષોના આક્ષેપોનો મોદી સરકાર કડક ભાષામાં જવાબ આપી રહી છે. આ ચર્ચામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ ઝંપલાવ્યું હતું અને પોતાની લાક્ષણિક ભાષામાં વિપક્ષોની બોલતી બંધ કરવાનું કામ કર્યું હતું.
તમે પાકિસ્તાનને શા માટે બચાવો છો
ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે એવો સવાલ કર્યો હતો કે પહેલગામ હુમલો કરનારા આંતકવાદીઓ પાકિસ્તાનના છે તે કઈ રીતે કહી શકાય. ચિદમ્બરમના આ સવાલનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે આંતકવાદીઓ ઠાર થયા ત્યારે પાકિસ્તાની સેનાના અધિકારીઓ નમાઝ-એ-જનાજામાં હાજર રહ્યા હતા. આ ઘટના બાદ પાકિસ્તાન ઉઘાડું પડી ગયું. પાકિસ્તાનની એક પણ મિસાઈલ આપણું નુકસાન કરી શકી નહીં. ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે સુરક્ષામાં ચૂક કોની જવાબદારી અને આતંકી ક્યાંથી આવ્યા હતા કે કોણ કહશે.
જવાબમાં અમિત શાહે ચિદમ્બરને ઝાટકતા કહ્યું કે ચૂકની જવાબદારી સરકારની જ છે અને અમે અમારી જવાબદારી સ્વીકારીએ છીએ. તમે જ્યારે સત્તા પર હતા ત્યારે તમે જવાબદારી શા માટે ન લીધી. આ સાથે જ્યારે સંસદમાં આ મુદ્દે ચર્ચા થવાની જ છે ત્યારે ચિદમ્બરમે આવા મુદ્દા ઊભા કરી પાકિસ્તાનને બચાવવાની જરૂર શું છે, તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.
આ મોદી સરકાર છે, મનમોહન સરકાર નહીં
અમિત શાહે આગળ જણાવ્યું કે 8મી મેએ પાકિસ્તાને અમુક જગ્યા પર હુમલા કર્યા 9મી મેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી અને જવાબ આપવાનો આદેશ આપી દીધો. આપણે તેમના એરબેઝ પર હુમલાઓ કરી વિનાશ વેરી દીધો. આ મનમોહન સરકાર નથી કે તે લોકો આપણને આવીને મારશે અને આપણે જઈને ચર્ચા કરીશું. આ મોદી સરકાર છે. શાહે એયરસ્ટ્રાઈક, સર્જિકલ સ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો હતો.