કટરામાં અધવચ્ચે જ ભાષણ અટકાવીને PM Narendra Modi કોને મળવા પહોંચી ગયા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ સપ્ટેમ્બર ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કટરામાં હતા અને એ સમયે ત્યાં જાહેર સભામાં સ્ટેજ પર તેમણે થોડી સેકંડ માટે પોતાનું ભાષણ અટકાવ્યું હતું. જોકે, વડા પ્રધાને ચોક્કસ કારણસર સ્વેચ્છાએ આમ કર્યું.
બોધનના અંતમાં બીજા તબક્કાના ઉમેદવારો તરફ ઈશારો કરતા પીએમે કહ્યું, તમે બધા આગળ આવો. બધા ઉભા થઇ જાઓ. આ પછી, પીએમએ જનતા તરફ જોઈને કહ્યું, “તમારે આમને ધારાસભ્ય તરીકે ચૂંટવાના છે.
હું તેમની પાસે જઈ આવું, પછી ભાષણ આપીશ.” વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર આગળ ઉભેલા તમામ ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા તેમની પાસે ગયા. તેમણે ઉમેદવારોના હાથ પકડીને ઉંચા કરીને લોકોને બતાવ્યા.
જનતાએ પણ તેમનું અભિવાદન સ્વીકાર્યું. આ પછી પીએમ પોડિયમ પર પાછા ફર્યા અને ઉમેદવારો પણ પોતપોતાની જગ્યાએ બેસી ગયા. વડા પ્રધાને ફરીથી ભાષણ શરૂ કર્યું અને જનતાને ઇવીએમમાં ભાજપના ચૂંટણી ચિન્હ એટલે કે કમળ પર બટન દબાવીને બને એટલું વધુ મતદાન કરવાની અપીલ કરી.
આપણ વાંચો: કોણ છે એ વ્યક્તિ જેના દ્વારા બનાવેલું ભોજન જ ખાય છે પીએમ નરેન્દ્ર મોદી…..
જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “તમારે કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી ત્રણ રાજવંશની રાજનીતિનો અંત લાવવા માટે ભાજપને મત આપવો જોઈએ. આ ચૂંટણી જમ્મુ અને કાશ્મીરનું ભવિષ્ય નક્કી કરવાની છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે નદીના પાણીને પાકિસ્તાનમાં વહેવા દીધા પરંતુ અમે ડેમ બનાવ્યા.”
વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે, “ભાજપ જમ્મુના બહુ-ક્ષેત્રીય વિકાસ માટે પ્રતિબદ્ધ છે, જેને કોંગ્રેસ, એનસી અને પીડીપી દ્વારા વર્ષો સુધી અવગણવામાં આવ્યા હતા. કલમ ૩૭૦ નાબૂદ થયા પછી, અલગતાવાદ, આતંકવાદ નબળા પડી ગયા છે, તેમને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસના મેનિફેસ્ટોને સમર્થન આપ્યું છે, આ પાર્ટીઓ પાકિસ્તાનના એજન્ડા પર કામ કરે છે. અમે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને લાગુ નહીં થવા દઈએ, દુનિયાની કોઈ શક્તિ કલમ ૩૭૦ પાછી નહીં લાવી શકે .