જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ફેબ્રુઆરીમાં વધીને 2.38 ટકાના સ્તરે પહોંચ્યો

નવી દિલ્હી: સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા દર્શાવે છે કે શાકભાજી, તેલ અને પીણાં જેવી ઉત્પાદિત ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થવાને કારણે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક ફુગાવો થોડો વધીને 2.38 ટકાની સપાટીએ પહોંચ્યો છે.
જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો 2.31 ટકા હતો. ફેબ્રુઆરી 2024માં તે 0.2 ટકાના સ્તરે હતો. સતત ત્રણ મહિનાના ઘટાડા પછી ડબલ્યુપીઆઇમાં સાધારણ વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરી મહિનામાં ડબલ્યુપીઆઇમાં માસિક તુલનાત્મક ધોરણનો ફેરફાર 0.06 ટકા રહ્યો.
આ પણ વાંચો…સોનાચાંદીમાં સપ્તાહના પહેલા દિવસે જોરદાર ઉછાળો
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ફેબ્રુઆરી, 2025માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિનખાદ્ય ચીજો અને કાપડના ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે. ડેટા મુજબ, મહિના દરમિયાન ઉત્પાદિત ખાદ્ય ઉત્પાદનોમાં ફુગાવો વધીને 11.06 ટકા, વનસ્પતિ તેલમાં 33.59 ટકા, જ્યારે પીણાંમાં નજીવો વધારો થઈને 1.66 ટકા થયો હતો. જોકે, શાકભાજીના ભાવમાં ઘટાડો થયો હતો અને બટાકાના ભાવ મહિના દરમિયાન 74.28 ટકાથી ઘટીને 27.54 ટકા થયા હતા.
ઈંધણ અને વીજળી શ્રેણીમાં ફેબ્રુઆરીમાં 0.71 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે અગાઉના મહિનામાં 2.78 ટકા હતો. બુધવારે જાહેર કરાયેલા છૂટક ફુગાવાના આંકડા દર્શાવે છે કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાને કારણે ફેબ્રુઆરીમાં ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઇ) આધારિત ફુગાવો સાત મહિનાના નીચલા સ્તરે 3.61 ટકા પર પહોંચી ગયો હોવાનું જાહેર થયું છે.