સસ્તા પીણાં સ્વાસ્થ્ય માટે ખતરો: વિશ્વ આરોગ્ય સંગઠને ફળોના રસ અને ઠંડા પીણા પર કર વધારવા પર મૂક્યો ભાર

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ સરકારોને સ્થૂળતા, ડાયાબિટીસ, હ્રદય રોગ અને કેન્સર જેવા ગંભીર રોગોને રોકવા માટે ફળોના રસ, મીઠા પીણાં અને આલ્કોહોલ પર ટેક્સ વધારવા વિનંતી કરી છે. ડબ્લ્યુએચઓએ ખાસ કરીને બાળકો અને યુવાનોના સંદર્ભમાં આ વાત કરી છે.
ડબ્લ્યુએચઓના બે નવા વૈશ્વિક અહેવાલો અનુસાર મોટાભાગના દેશોમાં ઓછા કરને કારણે મીઠા પીણાં અને આલ્કોહોલ વધુને વધુ સસ્તા થઇ રહ્યા છે. જેના કારણે તેમના વપરાશમાં ઝડપી વધારો થઇ રહ્યો છે.
અહેવાલમાં જણાવાયું છે કે ૧૦૦થી વધુ દેશો સોડા જેવા મીઠા પીણાં પર કર લાદે છે, પરંતુ ૧૦૦ ટકા ફળોના રસ, મીઠા દૂધવાળા પીણાં અને રેડી-ટુ-ડ્રિંક કોફી-ચા જેવા હાઇ શુગર ઉત્પાદનો પર ટેક્સ લાદવામાં આવતો નથી. સરેરાશ ટેક્સની ભાગીદારી એક મીઠી સોડાની કિંમતના માત્ર ૨ ટકા હોય છે.
આ પણ વાચો : માદક પીણાંના ઉત્પાદક સંગઠનની ડમ્પિંગ પર નિયંત્રણોની માગ…
ડબ્લ્યુએચઓએ એ પણ જણાવ્યું કે બહુ ઓછા દેશો મોંઘવારીને અનુરુપ કરવેરો વધારે છે. જેના કારણે આ હાનિકારક ઉત્પાદનો વધુ સસ્તા બની રહ્યા છે. સસ્તા હોવાને કારણે કંપનીઓ અબજો ડોલરનો નફો રળી રહી છે. જ્યારે તેના કારણે થતા રોગોનો બોજ આરોગ્ય વ્યવસ્થા પર સતત વધી રહ્યો છે.
ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનમ ગેબ્રેયેસસે જણાવ્યું કે હેલ્થ ટેક્સ બિમારીઓને રોકવાનો સૌથી અસરકારક માર્ગ છે અને તે સરકારોને આરોગ્ય સેવાઓ માટે જરૂરી ભંડોળ પણ પૂરું પાડી શકે છે.
બીજા એક અહેવાલમાં ડબ્લ્યુએચઓએ જણાવ્યું કે ૨૦૨૨ પછીથી મોટાભાગના દેશોમાં શરાબની કિંમતમાં ઘટાડો થયો છે અથવા સમાન જ રહ્યો છે. જ્યારે તેના જોખમો સ્પષ્ટ છે. વિશ્વનભરના ૧૬૭ દેશો દારુ પર ટેક્સ લગાવે છે, પરંતુ ૧૨ દેશોમાં શરાબ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ડબ્લ્યુએચઓ મુજબ દારુ સસ્તો હોવાથી હિંસા, ઇજાઓ અને બિમારીઓ વધી છે. જ્યારે નફો કંપનીઓને થાય છે અને નુકસાન સમાજ ભોગવે છે.
આ પણ વાચો : 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા GST દર, હેલ્થ-લાઇફ ઇન્શ્યોરન્સ પર જીએસટી રદ; જાણો શું સસ્તું-મોંઘુ થશે…
ડબ્લ્યુએચઓએ દેશોને અપીલ કરી છે કે તેઓ ૨૦૩૫ સુધીમાં તમાકુ, દારુ અને મીઠા પીણાંના ભાવ વધારવા માટે ટેક્સ સિસ્ટમને મજબૂત બનાવે. જેથી તે ધીમે ધીમે ઓછા પરવડે તેવા બને અને લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકાય.



