યાસીન મલિકની પત્ની મુશાલ મલિક હુસૈન કોણ છે? જાણો પાકિસ્તાનમાં બેઠા-બેઠા ભારત વિરુદ્ધ કરે છે કેવા ષડયંત્ર

ઇસ્લામાબાદ: યાસીન મલિક, જે કાશ્મીરમાં હિન્દુઓ પર અત્યાચાર કરવા માટે જાણીતો છે, તે ફરી એકવાર ચર્ચામાં છે. યાસીન મલિકને ગયા વર્ષે 24 મેના રોજ NIA કોર્ટ દ્વારા ટેરર ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલા 85 પાનાના સોગંદનામામાં, તેણે દાવો કર્યો છે કે 1994માં સશસ્ત્ર સંઘર્ષનો ત્યાગ કર્યા પછી તે ભારત સરકાર સાથે સતત સંપર્કમાં હતો. તેણે એવો પણ દાવો કર્યો છે કે તેણે ઇન્ટેલિજન્સ બ્યુરોના (IB) સ્પેશિયલ ડિરેક્ટર વી.કે. જોશીની વિનંતી પર હાફિઝ સઈદને મળ્યો હતો અને આ વિશે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને જાણ કરી હતી. યાસીન મલિકના આ દાવા પહેલા તેની પાકિસ્તાનમાં રહેતી પત્ની મુશાલ હુસૈન મલિક પણ ચર્ચામાં હતી. આવો જાણીએ મુશાલ હુસૈન મલિક કોણ છે?
યાસીન કરતા 20 વર્ષ નાની છે મુશાલ
મુશાલ હુસૈન પાકિસ્તાનના એક પ્રભાવશાળી પરિવારમાંથી આવે છે. તેના પિતા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા. તેની માતા પાકિસ્તાન મુસ્લિમ લીગની મહિલા પાંખના ભૂતપૂર્વ મહાસચિવ હતા. તેના ભાઈ, હૈદર અલી મલિક, અમેરિકામાં જાણીતા વિદેશ નીતિ નિષ્ણાત અને પ્રોફેસર છે.
યાસીન અને મુશાલની પ્રથમ મુલાકાત 2005માં ઇસ્લામાબાદમાં થઈ હતી, જ્યારે યાસીન કાશ્મીર ચળવળ માટે સમર્થન મેળવવા ત્યાં ગયો હતો. 2009માં બંનેએ લગ્ન કર્યા હતા. જોકે, મુશાલ યાસીનથી 20 વર્ષ નાની છે. તેમને એક 11 વર્ષની પુત્રી પણ છે. જેનું નામ રઝિયા સુલતાના છે. મુશાલ હુસૈન ચિત્રકાર પણ છે. તેના ચિત્રોમાં કાશ્મીર અને ભારત વિરુદ્ધનો પ્રચાર જોવા મળે છે. તે ‘પીસ એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન’ની અધ્યક્ષ પણ છે, જે વૈશ્વિક શાંતિનો દાવો કરે છે.
યાસીનને મુક્ત કરાવવાના મુશાલે કર્યા પ્રયાસ
પાકિસ્તાનમાં જન્મેલી મુશાલ હુસૈન હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતી રહી છે. યાસીન મલિકની જેમ જ, તે પણ કાશ્મીરને ભારતથી અલગ કરવાનું સ્વપ્ન જુએ છે અને પોતાના પતિની મુક્તિ માટે સતત પાકિસ્તાની નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને વિનંતી કરી રહી છે. ચાર મહિના પહેલા મુશાલ હુસૈન મલિકે પાકિસ્તાન સરકારને અપીલ કરી હતી કે ભારતીય સૈનિકની વાપસીના બદલામાં યાસીન મલિકને મુક્ત કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, યાસીન મલિકની પત્ની હોવાને કારણે મુશાલને પાકિસ્તાનમાં ખૂબ સન્માન મળે છે. 2021માં, તેને પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરના મંત્રીમંડળમાં માનવ અધિકારો પરના વડાપ્રધાનના વિશેષ સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.