ભારતીય ગૃહિણી શેરી સિંહે ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતી રચ્યો ઇતિહાસ, મહિલાઓ માટે કહી આ વાત… | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

ભારતીય ગૃહિણી શેરી સિંહે ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતી રચ્યો ઇતિહાસ, મહિલાઓ માટે કહી આ વાત…

નવી દિલ્હીઃ ભારત દરેક ક્ષેત્રમાં પોતાની આગવી છાપ છોડી રહ્યું છે. પુરૂષ હોય કે મહિલા દરેક ભારતની પ્રતિભા વધારવા માટે મહેનત કરી રહ્યું છે. તેમાં શેરી સિંહે બ્યૂટી પેજન્ટમાં પોતાની સુંદરતા અને બુદ્ધિમત્તાથી વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. શેરી સિંહ ‘મિસિસ યુનિવર્સ’નો ખિતાબ મેળવનારી પહેલી ભારતીય મહિલા બની છે. ફિલિપિઇન્સના ઓકાડા મનિલામાં ‘મિસિસ યુનિવર્સ’ની 48મી આવૃત્તિ યોજાઈ હતી. આમાં આખા વિશ્વમાંથી કુલ 120 જેટલા સ્પર્ધકો આવ્યાં હતાં, જે દરેકને પાછળ છોડીને શેરી સિંહે મોખરે રહીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

‘મિસિસ યુનિવર્સ’ની 48મી આવૃત્તિમાં શેરી સિંહે વિજેતા બની

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ‘મિસિસ ઇન્ડિયા 2025’ જેનું યુએમબી Pageants દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જીત મેળવ્યાં બાદ શેરી સિંહે વિશ્વ કક્ષાએ ભારતનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન મહિલા સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ જેવા મુદ્દાઓ પર શેરી સિંહે ભાર મૂક્યો હતો. આ મુદ્દાઓના કારણે જજની પેનલ અને પ્રેક્ષકોને પ્રભાવિત થઈ ગયાં અને શેરી સિંહ ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે.

‘મિસિસ યુનિવર્સ’ શેરી સિંહે મહિલાઓ માટે શું કહ્યું?

‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીત્યા બાદ શેરી સિંહે કહ્યું કે, ‘આ તાજ દરેક એવી મહિલાનો છે, જેણે ક્યારેય સીમાઓથી પરે જઈને સપનાં જોવાની હિંમત કરી છે. હું દુનિયાને જણાવવા માગતી હતી કે શક્તિ, દયા અને દૃઢતા જ સુંદરતાની સાચી વ્યાખ્યા છે’. ભારતીય મહિલાઓ દુનિયાના દરેક ખૂણામાં પોતાની પ્રતિભાના આધારે ભારતને ગૌરવ અપાવી શકે છે. આ વાતને ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતીને શેરી સિંહે સાબિત કરી દીધી છે.

આ દેશના સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો

‘મિસિસ યુનિવર્સ’ પેજન્ટમાં ‘મિસિસ સેન્ટ પીટર્સબર્ગ’ ફર્સ્ટ રનર-અપ, ‘મિસિસ ફિલિપિઇન્સ’ સેકન્ડ રનર-અપ, ‘મિસિસ એશિયા’ થર્ડ રનર-અપ અને ‘મિસિસ રશિયા’ ફોર્થ રનર-અપ રહી હતી. આ સાથે માર્ગારીટા આઇલેન્ડ, યુએસએ, દક્ષિણ પશ્ચિમ એશિયા, બલ્ગેરિયા, મ્યાનમાર, પેસિફિક, આફ્રિકા, યુએઈ, જાપાન અને યુક્રેનના સ્પર્ધકોએ ફાઇનલમાં તેમના દેશ અને પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ અંતે જીત ભારતની થઈ હતી.

કોણ છે મિસિસ યુનિવર્સ શેરી સિંહ?

‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતનારી શેરી સિંહની વાત કરવામાં આવે તો, તે ઉત્તર ભારતના એક સામાજિક કાર્યકર અને મોડેલ છે. લાંબા સમયથી મહિલા સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિના ક્ષેત્રમાં કામ પણ કર્યું છે. શેરી સિંહનો 24 મે, 1990 ના રોજ દિલ્હીના નોઈડાના એક નાના ગામ મકોડામાં ગુર્જર સમુદાયમાં જન્મ થયો હતો. મૂળ તે દિલ્હીની રહેવાસી છે અને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોમાં ઊંડા મૂળ ધરાવે છે. શેરીએ નવ વર્ષ પહેલાં સિકંદર સિંહ સાથે લગ્ન કર્યા હતા અને એક 7 વર્ષનો દીકરો છે. શેરી સિંહે 2024માં ‘મિસિસ ભારત યુનિવર્સ’નું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ 2025માં તેણે ‘મિસિસ ઇન્ડિયા યુનિવર્સ’નો ખિતાબ જીત્યો હતો.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button