કોણ છે સરસ્વતી દેવી જે 30 વર્ષ સુધી રામલલા માટે મૌન રહી….
ઝારખંડ: 22 જાન્યુઆરી એ ભારત માટે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. તે દિવસે ભગવાન રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજશે. જેને લઈને સમગ્ર દેશમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર બનવાના કારણે આજે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. આખી અયોધ્યા રામમય બની ગઈ છે. ત્યારે ઘણા ભક્તો એવા પણ છે કે જેમની પ્રભુ રામ પ્રત્યેની ભક્તિ રંગ સાવ અલગ જ હોય છે. આવીજ એક ભક્ત છે ઝારખંડની એક મહિલા જેમને છેલ્લા 30 વર્ષથી મૌન વ્રત રાખ્યું છે. અને તે 22 જાન્યુઆરીએ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પોતાનું વ્રત તોડશે.
ધનબાદના કર્મટાંડની રહેવાસી 85 વર્ષની સરસ્વતી દેવીએ એવું વ્રત લીધું હતું કે જ્યારે રામ લલા અયોધ્યામાં રામમંદિરમાં બિરાજશે ત્યારે જ તે પોતાનું આ મૌન વ્રત તોડશે. અને આ વ્રતના કારણે સરસ્વતી દેવી લગભગ 30 વર્ષ સુધી મૌન પાળ્યું અને વર્ષોથી પ્રભુ રામની અવિરતપણે પૂજા પ્રર્થના કરતા રહ્યા જેથી ભગવાન રામનું મંદિર શક્ય તેટલું જલ્દી બને અને પ્રભુ રામ મંદિરમાં બિરાજે. જો કે હાલમાં સરસ્વતી દેવીની ભક્તિની ચર્ચા સમગ્ર કોયલાંચલમાં થઈ રહી છે.
સરસ્વતી દેવી મોટાભાગે તીર્થસ્થાનોમાં જ રહે છે. અને પોતાનો તમામ સમય ભક્તિ કરીને વિતાવે છે. અને ત્યારે પણ તેઓ હંમેશા મૌન જ પાળે છે. જો કુટુંબના સભ્યોને કંઈક કહેવું હોય તો તે લેખીને જણાવે છે. ત્યારે સરસ્વતી દેવીના નાના પુત્ર હરિરામ અગ્રવાલે જણાવ્યું હતું કે વિવાદિત માળખું તૂટી પડ્યા પછી તેની માતાએ મૌન પાળ્યું હતું. તેને એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભગવાન રામ મંદિરમાં બિરાજશે નહિ ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં તે એક પણ શબ્દ નહી બોલે. સરસ્વતી દેવીએ લખીને જણાવ્યું હતું કે આટલા વર્ષોના મૌન બાદ તે સૌથી પહેલો શબ્દ સીતારામ-સીતારામ બોલશે. સરસ્વતી દેવીને પણ અયોધ્યા આવવાનું આમંત્રણ મળ્યું છે. તે 8 જાન્યુઆરીના રોજ અયોધ્યા જવાના છે.
નોંધનીય છે કે પ્રભુ રામના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ખૂબજ જોરશોરથી ચાલી રહી છે. રામનગરીમાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યાના દરેક ખૂણાને સુરક્ષા કવચ ગોઠવી દેવામાં આવ્યા છે. યોગી સરકારે રામ મંદિરના અભિષેકને લઈને સુરક્ષા વ્યવસ્થા માટે સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી છે.