
નવી દિલ્હી: લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી મહાચર્ચા દરમિયાન કોંગ્રેસ મહાસચિવ અને વાયનાડનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું હતુ. તેમણે સરકારને પહલગામ આતંકી હુમલા અને સીજફાયર મુદ્દે સવાલ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પ્રવાસીઓ સરકારના ભરોસે ગયા હતા અને સરકારે લોકોને ભગવાનના ભરોસે મૂકી દીધા હતા. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે શું વડા પ્રધાન, ગૃહ પ્રધાન કે સંરક્ષણ પ્રધાનની જવાબદારી નથી કે નાગરિકોની સુરક્ષા નક્કી કરે?
સરકારે લોકોને ભગવાન ભરોસે છોડી દીધા
લોકસભામાં પ્રિયંકા ગાંધીએ પહલગામ હુમલાને લઈને સરકાર પર આકરા પ્રશ્નો કર્યા હતા. તેમણે પૂછ્યું કે આખરે આ ક્રૂર હુમલાની જવાબદારી કોણ લેશે, જેમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓની તેમના પરિવારો સામે હત્યા કરવામાં આવી હતી. પ્રિયંકા ગાંધીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્નીના નિવેદનનો ઉલ્લેખ કરતા સરકારને સવાલ કર્યો કે આ લોકો સરકારના ભરોસે ગયા હતા, પરંતુ સરકારે તેમને ભગવાન ભરોસે છોડી દીધા હતા.
પણ યુદ્ધવિરામ કર્યું જ કેમ?
પ્રિયંકા ગાંધીએ લોકસભામાં શુભમની પત્નીના અનુભવને ગૃહની સમક્ષ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે તે દિવસે તેની આંખની સામે જ તેની દુનિયા ખતમ થઈ, પરંતુ એક કલાક સુધી ત્યાં કોઈ સુરક્ષાકર્મી હાજર નહોતા. સરકારે તેમને અનાથ છોડી દીધા હતા. શું આ જવાબદારી વડા પ્રધાનની નહોતી? ગૃહ પ્રધાન કે સંરક્ષણ પ્રધાનની જવાબદારી નથી કે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે? તેમણે કહ્યું હતું કે યુદ્ધની સ્થિતિની સમયે વિપક્ષ હંમેશાં તેમની સાથે છે. પણ યુદ્ધવિરામ કર્યું જ કેમ? સરકારે જવાબ ન આપ્યો કે દુશ્મન પાસે શરણાગતિ સિવાય કોઈ ઉપાય નહોતો તેમ છતા સરકારે તેમણે શરણ કેમ આપ્યું? આનો જવાબ આપવામાં ગૃહ પ્રધાન ઇતિહાસમાં જતાં રહ્યા હતા.
પીએમ શ્રેય લે તો જવાબદારી પણ લે
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે જો વડા પ્રધાન ઓપરેશન સિંદૂરનો શ્રેય લેવા માંગતા હોય તો તેમને તેની જવાબદારી પણ લેવી જોઈએ. તેમણે આગળ સવાલ કર્યો કે દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે યુદ્ધ સમાપ્ત થવાની ઘોષણા આપણી સેનાએ નહીં, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિએ કરી. તેમણે આને સરકારની નિષ્ફળતા અને વડા પ્રધાનની બિનજવાબદારી ગણાવી. તેમણે પ્રશ્ન કર્યો કે શું ભારત હવે એટલું નબળું પડી ગયું છે કે તેની લડાઈને કોઈ બીજું રોકે?
આપણ વાંચો: જમ્મુ-કશ્મીરની સુરક્ષામાં થયેલી ખામીની જવાબદારી કોણ લેશે? અખિલેશ યાદવના સરકારને પ્રશ્નો
આ બધું સરકારના ધ્યાન પર હતું
અમિત શાહે યુપીએ સરકારના સમયમાં થયેલા આતંકી હુમલા અંગે પલટવાર કરતાં કહ્યું હતું કે ગૃહ પ્રધાને 25 જેટલા આતંકી હુમલા ગણાવ્યા હતા, 2020 થી લઈને 22 એપ્રિલ 2025 સુધીમાં, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ કુલ 41 સેના અને સુરક્ષાકર્મીઓની હત્યા કરી, 27 નાગરિકોને માર્યા અને 54 લોકોને ઘાયલ કર્યા. ભારત સરકારે TRF ને 2023 માં આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું. એટલે કે, TRF દ્વારા ત્રણ વર્ષ સુધી કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ કરવામાં આવી, અને આ બધું સરકારના ધ્યાન પર હતું, ત્યાર પછી જ તેને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.