ઝેરી કફ સિરપનો રેલો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સુધી પહોંચ્યો, સરકાર પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હી: ભારતમાં કફ સિરપ પીધા પછી 25 નિર્દોષ બાળકના મૃત્યુના સમાચારે સમગ્ર દેશને હચમચાવી દીધો છે, જેનાથી કફ સિરપની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ‘કોલ્ડ્રિફ’ નામની આ કફ સિરપના કારણે આ ઘટનાઓ બની હતી. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ પણ કાર્યવાહી કરી છે. જેમાં WHO દ્વારા ભારત સરકારને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા છે.
આપણ વાંચો: ઝેરી કફ સિરપ મામલે મોટી કાર્યવાહી: ‘Coldrif’ કંપનીના માલિકની ચેન્નાઈથી ધરપકડ
કફ સિરપના કારણે જોખમ અંગે WHOની પૂછપરછ
કફ સિરપના કારણે થયેલા મૃત્યુની ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. WHO દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ કફ સિરપમાં બે અત્યંત ખતરનાક રસાયણો, ડાયેથિલિન ગ્લાયકોલ (DG) અને ઇથિલિન ગ્લાયકોલ (EG), ની માત્રા વધુ હતી, જે બાળકો માટે ઝેરી સાબિત થઈ છે.
આ રસાયણો સામાન્ય રીતે કફ સિરપમાં વપરાતા નથી અને તેમની વધુ સાંદ્રતા જીવલેણ બની શકે છે, જેના કારણે આ ઘટના જાહેર આરોગ્ય માટે મોટો ખતરો બની ગઈ છે. WHO અધિકારીઓએ ભારત સરકારને પૂછ્યું છે કે શું આ ખતરનાક કફ સિરપ અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવી છે. જો નિકાસ થઈ હોય તો WHO અન્ય દેશોમાં આવી ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક ગ્લોબલ મેડિકલ પ્રોડક્ટ્સ એલર્ટ જારી કરવાનું વિચારી રહ્યું છે.
આપણ વાંચો: ખાંસી માટે કફ સિરપ લેતા હોય તો ચેતજો, જાણો ખાંસી થવાના કારણો અને ઘરેલુ ઉપાય!
કફ સિરપ બનાવનાર સામે થઈ કાર્યવાહી
મધ્ય પ્રદેશમાં થયેલી આ દુર્ઘટનાએ ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને નિયમનકારી સંસ્થાઓની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક સૂચનાઓ જારી કરી છે.
DCGI એ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, બજારમાં વેચાણ માટે રજૂ કરતા પહેલા દરેક દવાના દરેક બેચનું સખત પરીક્ષણ ફરજિયાત છે. સ્થાનિક વહીવટીતંત્રે પણ કડક કાર્યવાહી કરી છે અને આ સિરપ બનાવનાર ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં આ સિરપના કારણે 22 બાળકના મૃત્યુ થયા છે, જ્યારે પાંચની હાલત ગંભીર છે. આ ઉપરાંત, રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં પણ આ સિરપથી ત્રણ લોકોના મોત નોંધાયા છે.