
નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમકે આ વખતે કેન્દ્ર સરકાર આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં કરે, સરકાર વંદે ભારત ટ્રેનની જેમ 40 હજાર બીજી રેલવે બોગી બનાવશે તેમજ તેમણે પોતાના બજેટમાં બીજી ઘણી મોટી યોજનાઓ અને સિદ્ધીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આમ છતાં કેન્દ્રીય બજેટ અંગે સત્તાધારી પાર્ટીના નેતાઓએ સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી, જ્યારે વિરોધી પાર્ટીના નેતાઓએ બજેટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
કેન્દ્ર સરકારના આ વચગાળાના બજેટ બાદ તમામ રાજકીય પક્ષો તરફથી પણ પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી, જેમાં કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે આ એક ઐતિહાસિક બજેટ છે…ભારત હવે ઘણું આગળ વધ્યું છે. અને આ યોગ્ય સમય છે.
કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ કહ્યું હતું કે વિશ્વમાં ભારતને ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ જે પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે આ બજેટ દેશના આર્થિક ક્ષેત્રને મજબૂત બનાવાનારું, ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપતું અને નવા રોજગાર ઉત્પન્ન કરે છે. આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. અને તે દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલશ યાદવે આ બજેટ બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે કોઈ પણ બજેટ જો વિકાસ માટે નથી અને કોઈ પણ વિકાસ જો જનતા માટે નથી તો તે બજેટ કોઈ કામનું નથી. ભાજપની સરકાર ને જનતા વિરોધી બજેટનો એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ ક્યારેય નહિ તૂટે કારણ કે હવે નવી સરકાર આવશે અને એટલે જ આ ભાજપનું વિદાય બજેટ છે.
ત્યારે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે હું આ બજેટ માટે નાણાંકીય પ્રધાન નિર્મલા સીતારમણ અને પીએમ મોદીને ધન્યવાદ આપું છું. કોઈ પણ ક્ષેત્ર એવું નથી જેમાં તેમણે વિકાસ ના કર્યો હોય. આજે ભારતીય આર્થિક સ્થિતિ અને તેનું અર્થતંત્ર દુનિયાના નકશા પર એક આત્મનિર્ભર દેશ તરીકે ઉભરી આવ્યું છે.
આ વચગાળાના બજેટ અંગે કેન્દ્રીય ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે આ બજેટ વિકસિત ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તેમણે આ બજેટની સૌથી મોટી જાહેરાત ‘જય અનુસંધાન’ યોજનાને ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આજના બજેટમાં કોર્પસ ફંડ તરીકે 1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. અને આનો સીધો ફાયદો ભારતની નવી પેઢીને થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. પીએમ સાથે નવી આઈઆઈટી અને આઈઆઈએમ પર પણ ચર્ચા થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્રણ નવા રેલવે કોરિડોરની વાત પણ આ બજેટમાં કરવામાં આવી છે. આનો સીધો અર્થ એ છે કે જે લોકો કુશળ છે તેમને વધુ રોજગારી મળશે અને લોકોની જીવનશૈલી સુધરશે. ટૂંકમાં, આ બજેટ લોકોનું કલ્યાણ કરશે અને સંપત્તિ સર્જન કરશે જેથી લોકોની જિંદગી સરળ બનશે.
કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે આ બજેટ વિશે કહ્યું હતું કે નવી સંસદની રચના અને નવી સરકારની રચના સુધી ભારત સરકાર પાસે તેની સામાન્ય કામગીરી ચલાવવા માટે જરૂરી ભંડોળ છે તે જોવા માટેની એક વહીવટી કવાયત છે. અને ભાજપે ફક્ત એક કવાયત જ કરી છે. આ બજેટમાં પોતાની પ્રશંસા સિવાય બીજું કંઈ નથી.
નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ આ બજેટ અંગે કહ્યું હતું કે પૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. અને અમે આશા રાખીએ છીએ વ્યાપાર વધશે, ઉદ્યોગ પણ વધશે અને દેશ પ્રગતિ કરશે.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ આ વચગાળાના બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આ બજેટમાં ઘણી બધી બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો નથી. મૂડીરોકાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેની કોઈ વાત કરવામાં આવી નથી અને વિદેશી રોકાણની વાત કરી છે. તેમજ ઘણી બાબતો વિશે અસ્પષ્ટ ભાષામાં વાત કરી, જેમ કે ‘આત્મવિશ્વાસ’ અને ‘આશા’ જેવા શબ્દોની નહિ પરંતુ નક્કર ડેટાની વાત કરવી જોઈએ. સચોટ બાબતોના ઘણા ઓછા ડેટા ઉપલબ્ધ છે. ખરેખર તો આ એક ખૂબ જ નિરાશાજનક ભાષણ છે. જેમાં પૂરતી માહિતી નથી.