Mahakumbh Special: કુંભમાં બસ બની આકર્ષણનું કેન્દ્ર, વિશ્વનું સૌથી ભારે ‘સ્ફટિક’ શિવલિંગ રાખ્યું છે…
મહાકુંભનગરઃ એક અઠવાડિયામાં શરૂ થવા જઈ રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં સંતોએ લગભગ પોતાની કુટિરો બનાવી લીધી છે. એવામાં આ કુંભમેળામાં એક એવા સંત છે જે કુટિરમાં નહી પરંતુ બસમાં રહે છે, જેમાં એક મંદિરની પણ સ્થાપના કરવામાં આવી છે.
સેક્ટર-18માં સંગમ લોઅર રોડ પર અલોપશંકરી ચોકડી પાસે બની રહેલા શિબિરમાં છેલ્લા એક મહિનાથી ઉભેલી સફેદ રંગની બસ તમામના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ બસમાં વિશ્વનું સૌથી ભારે ભારે ‘સ્ફટિક’ શિવલિંગ રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
નામ છે ‘શ્રી શ્રી હરસિદ્ધિ’
સ્વામી સચ્ચિદાનંદ ચૈતન્યજીએ જણાવ્યું હતું કે, “વર્ષ 1992માં ઉજ્જૈન સિંહસ્થ કુંભ માટે તેમના ગુરુજી શ્રી લક્ષ્મણ ચૈતન્ય બ્રહ્મચારીજીએ આ બસ તૈયાર કરાવી હતી જેનું નામ તેમણે ‘શ્રી શ્રી હરસિદ્ધિ’ આપ્યું હતું. આ બસ તમામ સિદ્ધિઓની પ્રદાતા છે. આ પછી તેમણે તમામ તીર્થસ્થળોની મુલાકાત લીધી હતી. શ્રી લક્ષ્મણ ચૈતન્ય બ્રહ્મચારી મહારાજ ધર્મ સમ્રાટ સ્વામી શ્રી કરપાત્રી જી મહારાજના અનુગામી શિષ્ય હતા અને વારાણસીમાં અખિલ ભારતીય ધર્મ સંઘના લાંબા સમય સુધી અધ્યક્ષ રહ્યા હતા.
શિવલિંગને 12 જ્યોતિર્લિંગ સાથે સ્પર્શ
તેમણે કહ્યું હતું કે “ગુરુજીએ બસની ઉપર એક ચોરસ ટાંકી બનાવી હતી જેમાં તેમણે તે તમામ તીર્થસ્થાનો અને સરોવરોનું પવિત્ર જળ એકત્ર કર્યું હતું જેનો શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે. ત્યાર બાદ તમામ 12 જ્યોતિર્લિંગનું આ જળથી અભિષેક કરવામાં આવ્યો હતો અને અહીં રાખવામાં આવેલા ‘સ્ફટિક’ શિવલિંગને તે 12 જ્યોતિર્લિંગ સાથે સ્પર્શ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Mahakumbh 2025: મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા ગુજરાતમાંથી દોડશે 3 વન વે સ્પેશિયલ ટ્રેન…
ગુરુજી-ગુરુ માએ બસમાં કરી તીર્થયાત્રા
સ્વામી સચ્ચિદાનંદ ચૈતન્યએ જણાવ્યું હતું કે 2001માં ગુરુજી કાશીમાં બ્રહ્મલિન થયા હતા. ત્યાર બાદ તેમના શિષ્યા ગુરુ મા કલ્યાણી ચૈતન્ય બ્રહ્મચારિણી (અમ્મા જી)એ પણ પોતાનું આખું જીવન આ બસમાં વિતાવ્યું અને 2023માં ગુરુ માએ પણ પોતાનો દેહ છોડ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુરુજી અને ગુરુ માતાએ આ બસમાં જપ-તપ કર્યું અને તીર્થયાત્રા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “અગાઉ આ બસમાં રસોડું, શૌચાલય જેવી તમામ સુવિધાઓ હતી. આ બસમાં પાછળનો ભાગ ખોલી તેને સ્ટેજમાં પરિવર્તિત કરી શકાય છે. આ બસમાં જ શુદ્ધતા સાથે અન્ન પ્રસાદ તૈયાર કરવા માટે અનાજ સંગ્રહ કરવાની વ્યવસ્થા છે.”
વિશ્વનું સૌથી મોટું સ્ફટિંગ શિવલિંગનો દાવો
સ્વામી સચ્ચિદાનંદ ચૈતન્યએ કહ્યું કે ટાટા પાસે આ જૂના મોડલની કાર માટે કોઈ સ્પેરપાર્ટ નથી પરંતુ આવી જૂની કાર (ટાટા 1210 મોડલ) જોઈને મિકેનિક્સ ખુશ થઈ જાય છે અને ગમે ત્યાંથી જુગાડ કરીને રિપેર કરી લે છે. બસમાં રાખવામાં આવેલા સ્ફટિક શિવલિંગ અંગે તેમણે જણાવ્યું કે તેમના ગુરુએ આ બસમાં આ શિવલિંગ સ્થાપિત કર્યું હતું જેનું વજન 65 કિલો છે અને દાવો કર્યો હતો કે આ વિશ્વનું સૌથી મોટું સ્ફટિક શિવલિંગ છે.