
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર વિશ્વમાં આર્થિક સ્લોડાઉનની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ભારત ગ્રોથની નવી ગાથા લખી રહ્યું છે. PM મોદીએ કહ્યું કે આજે દુનિયા અનિશ્ચિતતાઓથી ભરેલી છે, પરંતુ આ સમયગાળામાં પણ ભારત એક અલગ જ લીગમાં દેખાઈ રહ્યું છે. ભારત આત્મવિશ્વાસથી ભરપૂર છે. જ્યારે વિશ્વમાં વિશ્વાસનું સંકટ દેખાય છે, ત્યારે ભારત ટ્રસ્ટનો પિલર બની રહ્યું છે, અને જ્યારે દુનિયા વિભાજન તરફ જઈ રહી છે, ત્યારે ભારત બ્રિજ બિલ્ડર બની રહ્યું છે.
તેમણે તાજેતરમાં જાહેર થયેલા બીજા ક્વાર્ટરના GDP આંકડાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે 8% થી વધુનો વૃદ્ધિ દર આપણી પ્રગતિની નવી ગતિનું પ્રતિબિંબ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ માત્ર આંકડાઓ નથી, પરંતુ આ એક મજબૂત મેક્રો ઇકોનોમિક્સ સિગ્નલ છે. વડાપ્રધાને GDPના આંકડાઓને ભારતની પ્રગતિના મજબૂત સંકેત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આ સંદેશ છે કે ભારત આજે ગ્લોબલ ઇકોનોમીનું ‘ગ્રોથ ડ્રાઇવર’ બની રહ્યું છે. આ આંકડાઓ એવા સમયે આવ્યા છે જ્યારે વૈશ્વિક વૃદ્ધિ દર 3%ની આસપાસ છે અને G-7ની અર્થવ્યવસ્થા આશરે 1.5%ની આસપાસ છે.
આ પણ વાંચો: ગુજરાતની માટીનો ગર્વ: ગાંધી, સરદાર અને PM મોદીના વારસાનું પ્રતિબિંબ – કેવડીયામાં ઉપરાષ્ટ્રપતિએ કર્યા વખાણ!
તેમણે ભૂતકાળને યાદ કરતાં કહ્યું કે એક સમય હતો જ્યારે લોકો ભારતમાં ઊંચા ફુગાવાની ચિંતા કરતા હતા, અને આજે તે જ લોકો ફુગાવા નીચો થવાની વાત કરે છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતની આ સિદ્ધિઓ સામાન્ય નથી; આ મૂળભૂત પરિવર્તન છે જે ભારત છેલ્લા એક દાયકામાં લાવ્યું છે. આ પરિવર્તન આશંકાઓના વાદળોને હટાવીને આકાંક્ષાઓના વિસ્તરણનું છે, જેના કારણે ભારત પોતાનું પરિવર્તન કરી રહ્યું છે અને આવનારા કાલને પણ બદલી રહ્યું છે.
PM મોદીએ ભારતના વણ ઉપયોગી ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવાના વિઝન પર ભાર મૂક્યો. તેમણે ઉદાહરણ આપ્યું કે ભારતની ક્ષમતાનો મોટો હિસ્સો લાંબા સમય સુધી વણવપરાયેલો રહ્યો છે. જ્યારે દેશની આ વણ ઉપયોગી ક્ષમતાને વધુ તકો મળશે, અને દેશના વિકાસમાં સંપૂર્ણ ઊર્જા સાથે ભાગીદાર બનશે, ત્યારે દેશનું કાયાકલ્પ થવું નિશ્ચિત છે. તેમણે પૂર્વી ભારત, નોર્થઈસ્ટ, ગામડાં, ટિયર-2 અને ટિયર-3 શહેરો, નારી શક્તિ અને યુવા શક્તિ જેવા ક્ષેત્રોનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે જેની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ અગાઉના દાયકાઓમાં થઈ શક્યો ન હતો. હવે, ભારત આ અન-ઉપયોગી ક્ષમતાને ઉપયોગમાં લેવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે, જેમાં પૂર્વી ભારતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને ઉદ્યોગો પર અભૂતપૂર્વ રોકાણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Video: કિર્ગિસ્તાનમાં ભારતીય શ્રમિકો સાથે ‘પ્રાણીઓ જેવો’ વ્યવહાર, મોદી સરકારને કરી આ અપીલ
તેમણે અવકાશ ક્ષેત્રમાં થયેલા પરિવર્તનને એક ઉત્તમ ઉદાહરણ ગણાવતા વડાપ્રધાને કહ્યું કે જ્યારે નવી તકો ઊભી થાય છે અને અવરોધો દૂર થાય છે, ત્યારે આકાશમાં ઊડવા માટે નવા પાંખો મળી જાય છે. અગાઉ આ ક્ષેત્ર સરકારી નિયંત્રણ હેઠળ હતું, પરંતુ સરકારે તેમાં સુધારા કરીને તેને ખાનગી ક્ષેત્ર માટે ખોલ્યું, જેના પરિણામો દેશ આજે જોઈ રહ્યો છે. તેમણે 10-11 દિવસ પહેલા હૈદરાબાદમાં ખાનગી સ્પેસ કંપની ‘સ્કાયરૂટ’ના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરવાનો ઉલ્લેખ કર્યો, જે દર મહિને એક રોકેટ બનાવવાની ક્ષમતા પર કામ કરી રહી છે અને ‘વિક્રમ-1’ બનાવી રહી છે.



