જલગાંવ (મહારાષ્ટ્ર) : નાસિકમાં રવિવારે સાંજે થયેલા એક ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુ થવાની ઘટના હજી તાજી જ છે ત્યાં હવે એવા સમાચાર જાણવા મળ્યા છે કે જલગાંવ જિલ્લામાં કાર અકસ્માત થયો છે. ચાલીસગાંવ નજીક કન્નડ ઘાટમાં તવેરા કારના અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. દેવદર્શનથી પરત ફરતી વખતે આ ભયાનક અકસ્માત થયો હતો. કારમાં સવાર અન્ય સાત લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં એક આઠ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.
આ ભયાનક દુર્ઘટના ચાલીસગાંવ નજીક કન્નડ ઘાટ પર રાત્રે લગભગ 12 વાગ્યે દેવદર્શનથી ઘરે પરત ફરતી વખતે બની હતી. રાત્રિના અંધકાર અને ધુમ્મસમાં કાર સીધી ઊંડી કોતરમાં ખાબકી હતી. કારમાં કુલ 11 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરૂષ છે.
આ તમામ તવેરા કારમાં રાત્રિના સુમારે ઘરે પરત ફરી રહ્યા હતા. પરંતુ તે પહેલા તેની કાર કન્નડ ઘાટ પર ખીણમાં પડી હતી. કારમાં સવાર તમામ લોકો માલેગાંવના રહેવાસી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો સાથે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અન્ય ઘાયલોને પોલીસ પ્રશાસનની મદદથી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
માલેગાંવના આ તમામ લોકો દર્શન માટે તવેરા ગાડી દ્વારા અક્કલકોટ ગયા હતા. રવિવારે રાત્રે બધા કારમાં માલેગાંવ આવી રહ્યા હતા. પરંતુ કન્નડ ઘાટમાં ધુમ્મસના કારણે ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ચારના મોત થયા હતા. જ્યારે સાત લોકો ઘાયલ થયા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને