SDG report: નીતિ આયોગના અહેવાલમાં ક્યાં છે ગુજરાત અને મહારાષ્ટ્ર
નવી દિલ્હીઃ Niti Ayog દ્વારા બહાર પાડવામાં આવેલા Sustainable Development Goals (SDG)
અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આર્થિક, સામાજિક અને પર્યાવરણીય સ્થિતિ દર્શાવતો હોય છે. આ અહેવાલમાં ઉત્તરાખંડ અને કેરળ સૌથી સારું પ્રદર્શન કરનારા રાજ્ય તરીકે ઊભરી આવ્યા છે જ્યારે બિહાર દરેક સ્તરે પાછળ જણાઈ રહ્યું છે.
નીતિ આયોગ દ્વારા ઘણા પ્રકારના અહેવાલો જારી કરવામાં આવે છે. SDG રિપોર્ટ પણ આમાંથી એક છે. રિપોર્ટમાં સામાજિક-આર્થિક સ્થિતિના સંદર્ભમાં દેશના તમામ રાજ્યોની રેન્કિંગ નક્કી કરવામાં આવી છે. નીતિ આયોગના SDG રિપોર્ટમાં ઉત્તરાખંડ-કેરળ ટોચ પર છે, જ્યારે બિહારની સ્થિતિ સૌથી ખરાબ છે. મતલબ કે બિહાર આ યાદીમાં સૌથી નીચે છે. બિહાર દરેક સ્તરે પાછળ રહેલું રાજ્ય સાબિત થયું છે. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે SDG રિપોર્ટ વિશે માહિતી આપી હતી.
ત્યારે આપણને સૌને વિચાર થાય કે આ અહેવાલમાં ગુજરાત અને મહારાષ્ટ્ર ક્યાં છે. તો તમને જણાવી દઈએ કે ગુજરાતનું સ્થાન છેક નવમું અને મહારાષ્ટ્રનું સ્થાન તેના પછી એટલે દસમું છે. 79 અંકો સાથે ઉત્તરાખંડ અને કેરળ પહેલા ક્રમાંકે છે જ્યારે ગુજરાતને 74 અને મહારાષ્ટ્રને 73 અંક મળ્યા છે.
નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. મતલબ કે છેલ્લા 10 વર્ષમાં દેશ વધુ સમૃદ્ધ બન્યો છે. SDG રિપોર્ટ અનુસાર, ગરીબી નાબૂદી પર SDG-1 હાંસલ કરવા માટે બે રાજ્યોને સુધારવાની જરૂર છે. જેમાં બિહાર અને અરુણાચલ પ્રદેશના નામ સામેલ છે. આ રિપોર્ટ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય રાજ્યોની સામાજિક-આર્થિક સ્થિતિનો તાગ મેળવી, તેમાં સુધારો કરવાનો અને રાજ્યોને વિકાસના માર્ગ પર લાવવાનો છે.
રિપોર્ટમાં સૌથી સારું પ્રદર્શન કરનારા 5 રાજ્યોમાં ઉત્તરાખંડ અને કેરળ બાદ તમિળનાડુ, ગોવા અને હિમાચલ પ્રદેશ છે. બિહાર સૌથી નીચલા સ્થાને છે. બિહાર પછી ઝારખંડ, નાગાલેન્ડ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ પાછળ રહેલા રાજ્યોમાં સામેલ છે.
નીતિ આયોગે ચોથી વખત SDG રિપોર્ટ જાહેર કર્યો છે. પ્રથમ SDG રિપોર્ટ વર્ષ 2018માં બહાર પાડવામાં આવ્યો હતો.