
નવી દિલ્હી: ભારતમાં દિવસેને દિવસે ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. એક તરફ જૂન મહિનામાં જમ્મુને શ્રીનગર સાથે જોડતા વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે ભારતમાં હાઇડ્રોજન ટ્રેન પણ શરૂ કરવાની વાત સપાટી પર આવી છે.
હાઇડ્રોજન ઇંધણથી દોડશે ટ્રેન
ભારતીય રેલવે દ્વારા હાઇડ્રોજન ફોર હેરિટેજ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ 25 ફ્યૂલ સેલવાળી હાઇડ્રોજન દ્વારા સંચાલિત ટ્રેનોની પહેલી બેચ તૈયાર કરવામાં આવશે. ટ્રેનનું એન્જિન 1200 હૉર્સપાવરનું હશે.
હાઇડ્રોજન ટ્રેનમાં હાઇડ્રોજનનો ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં હાઇડ્રોજન ગેસ સૌથી વધારે પ્રમાણમાં મળી રહે છે. તેને દરિયાના પાણીમાંથી પણ છૂટો પાડી શકાય છે. હાઇજન ઇંધણ બનાવવા માટે હાઇડ્રોજનની સાથે રિએક્શન કરીને વીજળી અને પાણી ઉત્પન્ન કરવામાં આવે છે.
ચેન્નઈમાં થયું હાઇડ્રોજન કોચનું પરીક્ષણ
હાઇડ્રોજન ફોર હેરિટેજ યોજના માટે 2800 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એક અનુમાન પ્રમાણે 75થી 80 કરોડમાં એક હાઇડ્રોજન ટ્રેન તૈયાર કરી શકાય છે. સામાન્ય રીતે હાઇડ્રોજન સંચાલિત ટ્રેન 140 કિમી/કલાકની ઝડપે દોડી શકે છે.
તાજેતરમાં ચેન્નઈની ઇંટીગ્રલ કોચ ફેક્ટરીમાં દેશના પહેલા હાઇડ્રોજન ઇંધણ દ્વારા સંચાલિત કોચનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની સ્પીડ 110 કિમી/કલાક હોવાનું અનુમાન ટેક્નોલોજીના નિષ્ણાતો લગાવી રહ્યા છે. 2016માં જર્મનીની અલ્સટ્રામ કંપની દ્વારા વિશ્વની પહેલી હાઇડ્રોજન ટ્રેન દોડાવવામાં આવી હતી.