નેશનલ

દેશનો સૌથી પહેલો વર્ટિકલ સી બ્રિજ ક્યારે શરુ થશે, જાણો પમ્બન બ્રિજની વિશેષતા?

ચેન્નઈઃ દેશનો પહેલો દરિયાઈ વર્ટિકલ બ્રિજ સંપૂર્ણપણે તૈયાર છે, જ્યારે આગામી મહિનામાં શરૂ થવાની ધારણા છે. રામેશ્વરમ તીર્થસ્થાન વિસ્તારને રેલવે નેટવર્ક સાથે જોડતો પમ્બન સી બ્રિજ આધુનિક ટેકનોલોજી અને એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એવી સંભાવના છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ 2025 સુધીમાં તેનું ઉદ્ઘાટન કરી શકે છે. આ 2.10 કિલોમીટર લાંબા પુલની મધ્યમાં 72.5 મીટર લાંબો વર્ટિકલ લિફ્ટ સ્પાન વહાણોની અવરજવર માટે ઊભો કરવામાં આવી રહ્યો છે, જે દેશનો પહેલો વર્ટિકલ સી બ્રિજ છે.

આપણ વાંચો: પાકિસ્તાનની ‘નાપાક’ હરકતઃ કાશ્મીરના ચીનાબ બ્રિજની જાસૂસીનો રિપોર્ટ…

આજથી નહીં, પરંતુ અગાઉથી ભારતમાં બનાવવામાં આવેલો પમ્બન બ્રિજ લોકપ્રિય છે. અંગ્રેજોના જમાનામાં બનેલો જૂનો પમ્બન બ્રિજ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતો, 1914માં બનેલો જૂનો બ્રિજ પણ જહાજોની અવરજવર માટે બે ભાગમાં ખોલવામાં આવતો હતો.

બાદમાં ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આ પુલ સો વર્ષોથી બંગાળની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડતા દરિયાઈ માર્ગ માટે મહત્વની કડી છે. તેના મહત્વને ધ્યાનમાં રાખીને હવે તેને નવી ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યો છે. નવો બ્રિજ સંપૂર્ણપણે કમ્પ્યુટરાઈઝ્ડ છે અને એક ક્લિકથી 5 મિનિટ 8 સેકન્ડમાં ઉપર જાય છે.

આપણ વાંચો: સીએસએમટી અને મસ્જિદ બંદર સ્ટેશન વચ્ચેના કર્ણાક બ્રિજનું કામ ફરી વિલંબમાં

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર નવા પુલનું નિર્માણ ફેબ્રુઆરી 2019માં શરૂ થયું હતું. જો કે તે ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ કોરોના રોગચાળાને કારણે કામ અવરોધાયું હતું. બ્રિજ આખરે નવેમ્બર 2024માં તૈયાર થઈ ગયો હતો અને સલામતી ધોરણોની ચકાસણી કર્યા બાદ સફળ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી હતી.

26 નવેમ્બર 2024ના રેલવે સુરક્ષા કમિશનરે તેને ટ્રેનોના સંચાલન માટે મંજૂરી આપી હતી. હવે માત્ર વડા પ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે.

પમ્બન બ્રિજની મહત્ત્વની માહિતી

રામનાથપુરમ જિલ્લો, તમિલનાડુમાં આવેલો પમ્બન બ્રિજ 2.10 કિલોમીટરની લંબાઈ ધરાવે છે, જ્યારે તેનો નિર્માણ ખર્ચ ₹ 531 કરોડ હતો. પુલમાં થાંભલાઓ અને ડાઇની કુલ સંખ્યા – 333 (1500mm), જ્યારે 25,000 ઘન મીટર જેટલા કોક્રીટનો કર્યો છે વપરાશ. ઉપરાંત, લિફ્ટ સ્પાન 660 મેટ્રિક ટન જેટલું વજન ધરાવે છે.

નવા પુલની વિશેષતા

  • સંપૂર્ણ ઈલેક્ટ્રિફાઈડ – ટ્રેન 25000 વોલ્ટ ઓવરહેડ વાયર (OHE) પર ચાલશે.
  • મહત્તમ સ્પીડ ક્ષમતા 80 કિમી પ્રતિ કલાક, પરંતુ ટ્રેનો 75 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે.
  • જૂના બ્રિજ પર ટ્રેનની કલાકના 10 કિમી પ્રતિ ઝડપે ચલાવાતી હતી, જ્યારે નવા બ્રિજ પર મુસાફરી 3 થી 4 મિનિટમાં પૂર્ણ થશે તેથી સમયની બચત.
  • શરૂઆતમાં દરરોજ 12 ટ્રેનો ચલાવવામાં આવશે, અને માંગ મુજબ ટ્રેન સેવાઓ વધારવામાં આવશે.
  • ભવિષ્યમાં જરૂર પડે તો બીજો ટ્રેક નાખવા માટે થાંભલાઓ પહેલેથી જ તૈયાર છે. ફક્ત ગર્ડર નાખીને બીજો ટ્રેક બિછાવી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button