VCને હાર્ટ એટેક આવ્યો તો હૉસ્પિટલમાં લઇ જવા માટે જજની કાર લઈને ભાગ્યા
હવે તેમને જામીન નથી મળતા

ગ્વાલિયરઃ ગુજરાતીમાં એક કહેવત છે ‘ધરમ કરતા ધાડ પડી’ અર્થાત કંઇ સારું કામ કરવા ગયા અને એમાં બૂરો અંજામ આવ્યો (કંઇક ખોટું સહન કરવાનો વારો આવ્યો) આ કહેવતને સાકાર કરતો એક કિસ્સો મધ્ય પ્રદેશમાં હાલમાં બની ગયો હતો. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વાઇસ ચાન્સેલર(વીસી) ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે ટ્રેનમાં તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.
આ જોઈને સાથે સફર કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓએ તેમનો જીવ બચાવવા માટે માનવીય ફરજ બજાવી હતી, પરંતુ તેમનો જીવ બચાવવો વિદ્યાર્થીઓ માટે એટલો મોંઘો પડી ગયો કે તેમને જેલમાં જવું પડ્યું. હકીકતમાં, વિદ્યાર્થીઓએ વીસીને હોસ્પિટલ લઈ જવા માટે ઉતાવળમાં કારનો ઉપયોગ કર્યો હતો અને બાદમાં જાણવા મળ્યું હતું કે કાર હાઈકોર્ટના જજની છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થીઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છે જેમની વિરુદ્ધ લૂંટનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓના વકીલ ભાનુ પ્રતાપ સિંહ ચૌહાણનું કહેવું છે કે, અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીશું અને તેમને સંજોગો વિશે જણાવીશું. વાસ્તવમાં, બે દિવસ પહેલા દિલ્હીમાં ABVPના રાષ્ટ્રીય અધિવેશનના કેટલાક વિદ્યાર્થીઓ ટ્રેન દ્વારા ગ્વાલિયર આવી રહ્યા હતા. આ દરમિયાન એક મુસાફરની તબિયત અચાનક બગડી ગઇ હતી.
બાદમાં ખબર પડી કે તે વ્યક્તિ એક યુનિવર્સિટીનો વાઈસ ચાન્સેલર હતા. ગ્વાલિયર પહોંચતા પહેલા વિદ્યાર્થીઓએ તેને બચાવવા માટે મોરેનાથી જ સ્ટેશન ઓફિસર અને એમ્બ્યુલન્સને જાણ કરી, પરંતુ ગ્વાલિયર પહોંચ્યા પછી પણ કોઈ મદદ તૈયાર ન હતી. સ્ટેશન પર ઉતર્યા બાદ પણ વિદ્યાર્થીઓ લગભગ 25 મિનિટ સુધી એમ્બ્યુલન્સની રાહ જોતા રહ્યા. જ્યારે એમ્બ્યુલન્સ ન આવી ત્યારે હિમાંશુ શ્રોત્રી અને સુકૃત શર્મા નામના બે વિદ્યાર્થી પ્રોફેસર રણજીત સિંહને પોર્ચમાં પાર્ક કરેલી કારમાં બેસાડી હોસ્પિટલ તરફ ભાગ્યા હતા.
જોકે આ દરમિયાન એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરને કારમાં બેસાડી દીધા હતા. આ પછી કારમાં હાજર ડ્રાઈવરે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે વિદ્યાર્થીઓએ બળજબરીથી કાર છીનવી લીધી અને લૂંટ ચલાવી હતી. વિદ્યાર્થીઓને પાછળથી ખબર પડી કે આ કાર એક જજની છે, જેના પછી પોલીસે લૂંટનો કેસ નોંધીને વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી અને કોર્ટે તેમને જેલમાં મોકલી દીધા હતા.
વિદ્યાર્થીઓની જામીન માટેની અરજી સેશન્સ કોર્ટમાં કરવામાં આવતાં કોર્ટે બળજબરીથી મદદ ન લઈ શકાય તેમ કહી જામીન અરજી નામંજૂર કરી હતી. બીજી તરફ જેલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. તેમને ગ્વાલિયરની જયરોગ્ય હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થીઓને જેલમાંથી મુક્ત કરવા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે.