નેશનલ

જ્યારે અંડરવર્લ્ડના લોકોએ કિંગ ખાનને કર્યો હતો હેરાન.. ડોન અબુ સાલેમે આપી હતી ગોળી મારવાની ધમકી

એક જમાનામાં મુંબઇ શહેરમાં જ્યારે બોલીવુડ પર અંડરવર્લ્ડનું પ્રભુત્વ છવાયેલું હતું એ સમયે અનેક કલાકારોને અંડરવર્લ્ડના ડોન અવારનવાર ધમકાવતા અને ખંડણી માગતા, એ જૂના દિવસોને યાદ કરતા કાંટે, શૂટઆઉટ એટ લોખંડવાલા, શૂટઆઉટ એટ વડાલા, મુસાફિર, કાબિલ જેવી ફિલ્મો બનાવનારા પ્રખ્યાત ડિરેક્ટર સંજય ગુપ્તાએ હાલમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ જોઇને સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

સોશિયલ મીડિયા સાઇટ X પર તેમણે પોસ્ટમાં લખ્યું, “શાહરૂખ પહેલેથી નીડર રહ્યા છે, તેઓ ક્યારેક રિસ્ક લેવાથી ડર્યા નથી. જ્યારે અંડરવર્લ્ડના લોકોએ શાહરૂખને હેરાન કર્યા હતા ત્યારે પણ તે ડર્યા નહિ, તે બિલકુલ ઝુક્યાં નહિ.”
સંજયે ટ્વીટમાં લખ્યું, “90ના દાયકામાં અંડરવર્લ્ડ તરફથી અનેક ધાકધમકીઓ મળતી હતી, એ સમયે શાહરૂખ અડગ રહ્યો હતો. ગોળી મારવી હોય તો મારી દો, પરંતુ હું તમારા માટે કામ નહિ કરું., હું પઠાણ છું.- અને આજે પણ એ એવા જ છે.”

અનુપમાં ચોપરાના પુસ્તક ‘કિંગ ઓફ બોલીવુડ શાહરૂખ ખાન એન્ડ ધ સિડક્ટિવ વર્લ્ડ ઓફ ઇન્ડિયન સિનેમા’ માં પણ આ વાતનો ઉલ્લેખ છે. બુકના લખાણ મુજબ, શાહરૂખને અબુ સાલેમે ધમકી આપી હતી, જેના જવાબમાં શાહરૂખે કહ્યું હતું કે હું તમને નથી કહેતો કે કોને શૂટ કરો અને કોને નહિ, તો તમે મને ન કહી શકો કે હું કઇ ફિલ્મ કરું અને કઇ નહિ. એ સમયે શાહરૂખ ‘ડુપ્લીકેટ’ ફિલ્મ કરી રહ્યા હતા. આટલું ભારે ટેન્શન હોવા છતાં સેટ પર કોઇને આ ઘટનાની તેણે જાણ ન થવા દીધી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button