ગોવા પોલીસે જ્યારે સુચના અને રમણને એકબીજાની સામે બેસાડ્યા ત્યારે…..
ગોવા: AI સ્ટાર્ટઅપ કંપનીના CEO સુચના સેઠની તેમના ચાર વર્ષના પુત્રની હત્યા બદલ ધરપકડ કરવામાં આવી હતી. અને તેને ગોવાના કલંગુટ પોલીસ સ્ટેશનમાં તેના પતિ વેંકટ રમણ સમક્ષ લાવવામાં આવી હતી. ત્યારે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને રમણ તેના દીકરાને મારવા બાબતે જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો. જો કે સુચના એકદમ શાંત થઈને કોઈ શાતિર ગુનેગારની જેમ ઊભી હતી અને તેની પર લાગેલા તમામ આરોપોને નકારી રહી હતી. તેનું કહેવું હતું કે આ બધું મારા પતિના કારણે થયું છે કારણકે મારું બાળક જો એની પાસે જતું તો એના જેવું થઈ જતું અને એ મને પસંદ નહોતું.
જો કે શરૂઆતમાં તો આ બંને પતિ પત્ની એકબીજાની સામે આવવા તૈયાર જ નહોતા પરંતુ પોલીસે તે બંનેને બળજબરીપૂર્વક એકબીજાની સામે બેસાડ્યા ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચાર કલાક જેટલા સમય સુધી પોલીસે એકબીજાની સામે બેસાડી રાખ્યા હતા પરંતુ તે આખો સમય રમણ તેના પત્નીને હત્યારી કહીને બોલાવી રહ્યો હતો જ્યારે સુચના એમ જ કહી રહી હતી કે આ બધું તારા લીધે થયું છે.
જો કે આખી ઘટના બાદ રમણે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમજ રમણના વકીલે જણાવ્યું હતું કે તેના અસીલ ખૂબ જ દુઃખી છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે હત્યાનું કારણ શું હોઈ શકે તેની તેને ખબર નથી પરંતુ બાળકની હત્યા થઈ છે હવે તેમનું બાળક તેમને મળવાનું નથી ત્યારે તે ગુસ્સે થવા સિવાય અને ન્યાયની આશા રાખ્યા સિવાય બીજું કંઈ જ કરી શકતા નથી.