
અત્યારે આખો દેશ અને દેશવાસીઓ શ્રીરામના રંગે રંગાઈ ગયા છે અને લોકો હર્ષોલ્લાસથી રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે હેડિંગ વાંચીને કદાચ તમને એવું પણ થશે કે ભાઈ રામ લલ્લા તો 22મી જાન્યુઆરીના મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે તો અત્યારે ક્યાં ભગવાન રામ અને સીતા માતા અયોધ્યા પહોંચ્યા હશે તો અહીંયા વાત થઈ રહી છે રીલ લાઈફના ભગવાન રામ એટલે કે અરુણ ગોવિલ અને માતા સીતા એટલે કે દિપીકા ચિખલિયાની વાત થઈ રહી છે.
અરુણ ગોવિલ અને દિપીકા ચિખલિયા રામાનંદ સાગરની રામાયણમાં રામ, સીતા અને લક્ષ્મણનો રોલ કરનાર અરુણ ગોવિલ, દિપીકા ચિખલિયા સુનીલ લહેરી આજે પણ દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે. 22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટા મોટા રાજકારણીઓ, સેલેબ્સ અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ જ અનુસંધાનમાં ટીવી સીરિયલના ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ, સીતા માતાની ભૂમિકા કરનાર દિપીકા ચિખલિયા અને લક્ષ્મણ સુનીલ લહેરી અયોધ્યા પહોંચ્યા હતા અને ત્રણેયના અયોધ્યા આગમનના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.
લાલ અને ગોલ્ડન સાડીમાં દિપીકા ચિખલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે તો અરુણ ગોવિલ અને સુનીલ લહેરી પીળા રંગના કુર્તો પહેરીને એમની સાથે ચાલતા જોવા મળી રહ્યા છે. ત્રણેય સ્ટાર્સને જોવા માટે શ્રદ્ધાળુઓ અને ફેન્સની ભીડ એકઠી થઈ હતી. વીડિયોમાં કેટલાક ડાન્સર્સને આ ત્રણેયની આસપાસ ડાન્સ કરતાં પણ જોઈ શકાય છે.
કહેવાઈ રહ્યું છે આ ત્રણેય એક્ટર રામ આયેંગે અલબમની શૂટિંગ માટે અયોધ્યા પહોંચ્યા છે અને એની સાથે સાથે જ તેઓ પ્રાણપ્રતિષ્ઠામાં પણ ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણેય સ્ટાર્સને જ્યારે આ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું ત્યારે રાજીપો વ્યક્ત કર્યો હતો.
રામાનંદ સાગરની રામાયણ 1987માં આવી હતી અને કોવિડને કારણે ટીવી પર એનું ફરી એક વખત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ત્યારે પણ એને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો.