જ્યારે એક કાર્ડિયાક સર્જન ડોક્ટર જ લોકોના દિલ ચોરી લે ત્યારે…
મુંબઈઃ દિલના ડોક્ટરનું કામ હોય છે દર્દીઓના દિલના દર્દની સારવાર કરવી. પણ શું થાય જ્યારે આ ડોક્ટર જ લોકોના દિલ ચોરી લે ત્યારે? ભાઈ અહીં દિલ ચોરવાનો અર્થ એવો છે કે ભાઈ ડોક્ટરે પોતાની કુશળતા અને હિડન ટેલેન્ટથી લોકોનું દિલ ચોરી લીધું છે.
એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ મુંબઈના અધ્યક્ષ અને ફેમસ કાર્ડિયાક સર્જન ડો. રમાકાંત પાંડા જેટલા સારા ડોક્ટર છે એટલા જ શ્રેષ્ઠ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર પણ છે. હાલમાં જ મુંબઈની જહાંગીર આર્ટગેલેરીમાં તેમના ફોટોનું એક્ઝિબિશન લગાવવામાં આવ્યું હતું અને એમાં કળાપ્રેમીઓની સાથે સાથે નેતાઓ, પ્રધાનો, પોલીસ અને બોલીવૂડની અનેક નામી હસ્તીઓએ હાજરી આપી હતી. ડિરેક્ટર, પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપ્રાએ તો ડો. પાંડાને પોતાની આગામી ફિલ્મમાં ફોટોગ્રાફીની ઓફર પણ આપી દીધી હતી.
ડો. પાંડાની ફોટોગ્રાફીની એક કોફી ટેબલ બુક પણ લોન્ચ કરવામાં આવી હતી અને આ માટે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક ખાસ મુંબઈ આવ્યા હતા. તેમણે પણ ડો.પાંડાના કામને અસાધારણ ગણાવતા શુભેચ્છાઓ પાઠવી હતી.
ડો. પાંડાએ એક કાર્ડિયાક સર્જનથી એક શ્રેષ્ઠ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર સુધીની પોતાની સફર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મને બાળપણથી જ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીનો શોખ છે અને 10-15 વર્ષમાં મેં જોયું કે વાઈલ્ડ લાઈફનું ચલણ ઘટી રહ્યું છે. એટલું જ નહીં જંગલ માટે કામ કરનારા કર્મચારીઓ પણ અભાવો વચ્ચે જીવી રહ્યા છે ત્યારે તેમને મદદ કરવા માટે મેં ફોટોગ્રાફી સાથે એશિયન વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ બનાવ્યું હતું. મારા પ્રોફેશન અને પેશન વચ્ચે સંતુલન જાળવીને જંગલોમાં સમય પસાર કરવાનું શરુ કર્યું અને વન્યપ્રાણીઓના ફોટો ક્લિક કરવાનું શરૂ કર્યું.
આ એક્ઝિબિશનથી થનારી આવક વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન માટે દાન કરવામાં આવ્યા આવશે. આ પ્રદર્શનમાં 130 જેટલી લોકોને મંત્રમુગ્ધ કરનારા ફોટાઓનો સમાવેશ થાય છે અને આ ફોટો વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સ માટે પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.