ધીરજ સાહુ પાસેથી જપ્ત કરેલા 353 કરોડ રૂપિયાનું શું થશે? જાણી લો એક જ ક્લિક પર…
આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુ હાલમાં તેમના ઘરેથી મળેલી બેનામી રોકડ રકમને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. આઈટી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં વિવિધ સ્થળો પરથી આશરે 353 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી જપ્ત કરેલી આ રોકડ રકમ ગણતા ગણતા તો બેન્કના કર્મચારીઓ, આઈટીના અધિકારીઓ અને મશીનો પણ થાકી ગયા હતા.
રવિવારે મોડી રાત્રે આ રોકડની ગણતરી પૂરી થઈ હતી. હવે આપણામાંથી ઘણા લોકોને હવે એવો સવાલ થશે કે આખરે આ જપ્ત કરવામાં આવેલી રકમનું શું કરવામાં આવશે અને એના પર કેટલો ટેકસ ચૂકવવો પડી શકે છે? જો તમને પણ આવો જ સવાલ સતાવી રહ્યો છે તો આજે અમે અહીં તમારી આ જ મૂંઝવણનો ઉકેલ લઈને આવ્યા છે.
જો અધિકારીઓની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો દેશમાં અત્યાર સુધીના ઇતિહાસમાં આ સૌથી મોટી સંખ્યામાં જપ્ત કરવામાં આવેલી રોકડ રકમ છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ત્રણ શાખાઓના ડઝનથી વધુ કાઉન્ટિંગ મશીનો અને 80 અધિકારીઓને તહેનાત કરીને આશરે રૂ. 353 કરોડની ગણતરી કરી હતી. રૂ. 100, 200 અને 500ની નોટોથી ભરેલી 176 બેગનો સમાવેશ થાય છે.
આઈટીના નિયમની વાત કરીએ તો જ્યારે પણ કોઈ વ્યક્તિ પાસેથી બેનામી સંપત્તિ મળી આવે તો ટેક્સની સાથે દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે. ટેક્સ સ્લેબના આધારે 300 ટકા સુધી ટેક્સની સાથે સાથે પેનલ્ટી લાદવામાં આવી શકે છે. આ નિયમો અનુસાર ધીરજ સાહુના ઠેકાણાઓમાંથી રિકવર કરાયેલી સંપત્તિ પાછી મેળવવી મુશ્કેલ છે ઉપરાંત તેણે વધારાનો ટેક્સ પણ ચૂકવવો પડી શકે છે. આવા અનેક કિસ્સામાં આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા વધુમાં વધુ ટેક્સ 33 ટકા છે, જેમાં 3 ટકા સરચાર્જનો સમાવેશ પણ છે. આ પછી 200 ટકા સુધીનો દંડ લાદવામાં આવી શકે છે.
આઈટીના નિયમો અનુસાર જો જપ્ત કરવામાં આવેલી મિલકત જો ચાલુ વર્ષની છે તો તેના પર કુલ 84 ટકાનો ટેક્સ અને દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. પણ જો આ કાળા નાણાની કમાણી ગયા વર્ષોની હોય તો તેના પર 99% સુધીનો ટેક્સ અને દંડ વસૂલ કરવામાં આવી છે.