વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજા સિંહનાં લાંબા આયુષ્ય અને ફિટનેસનું રહસ્ય શું હતું?

જલંધર: ગઈ કાલે સોમવારે પંજાબના જલંધર-પઠાણકોટ હાઇવે પર એક માર્ગ અકસ્માતમાં દોડવીર ફૌજા સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા, સારવાર દરમિયાન તેમનું અવસાન (Fauja Singh passed away) થયું. ફૌજા સિંહ 114 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી એ મૃત્યુ પામ્યા. તેઓ વિશ્વના સૌથી મોટી ઉંમરના મેરેથોન રનર હતાં, તેઓ ‘ટર્બન્ડ ટોર્નેડો’ તરીકે જાણીતા હતાં. ફૌજા સિંહના આટલા લાંબા આયુષ્ય અને મોટી ઉંમરે શારીરિક સ્વસ્થતા અંગે લોકોને આશ્ચર્ય થઇ રહ્યું છે.
ફૌજા સિંહનો જન્મ 1 એપ્રિલ 1911ના રોજ પંજાબના જલંધર જિલ્લાના બિયાસ પિંડમાં થયો હતો. તેઓ બાળપણ સામાન્ય બાળક જેવા સ્વસ્થ ન હતાં, તેમના પગ ખૂબ જ નબળા હતા. પાંચ વર્ષ સુધી તેઓ સરખી રીતે ચાલી પણ શકતા ન હતાં. એવામાં આ બાળક મેરાથોન રનર બને એવી કલ્પના જ ના કરી શકાય.
89 વર્ષે દોડવાનું શરુ કર્યું:
અહેવાલ મુજબ ફૌજા સિંહે 89 વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યું હતું. તેના થોડા સમય પહેલા તેનો તેમની પત્ની જ્ઞાન કૌર અને પુત્ર કુલદીપના મૃત્યુને કારણે ડિપ્રેશનથી પીડાતા હતા. આ મુશ્કેલ સમયમાં તેમણે દોડવાનું શરુ કર્યું, જેને કારણે ધીમે ધીમે માનસિક રીતે સ્વસ્થ બન્યા, સાથે તેમની શારીરિક સ્થિતિ પણ મજબુત થઇ. ત્યાર બાદ સકારાત્મક જીવનશૈલી, સંતુલિત આહાર અને નિયમિત કસરતને રોજીંદા જીવનનો ભાગ બનાવી તેઓ મેરાથોન દોડવા સક્ષમ બન્યા અને વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર બન્યા
ફૌજા સિંહનો ડાયેટ પ્લાન:
ફૌજા સિંહે એક ઇન્ટરવ્યુમાં તેમની ફિટનેસનું રહસ્ય જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ હંમેશા ખુશ રહે છે, દરરોજ પંજાબી પિન્ની થાય છે અને પછી હૂંફાળું પાણી પીવે છે. તેમને જણાવ્યું કે તેઓ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ અને કોઇપણ સિઝનમાં દહીં ખાય છે. ઈન્ટરવ્યું દરમિયાન તેમણે યુવાનોને જંક ફૂડ ટાળવા અને નિયમિત ચાલવા અને કસરત કરવાની સલાહ આપી હતી.
ફૌજા સિંહના ડોક્ટરના જણાવ્યા અનુસાર, શારીરિક અને માનસિક શક્તિને કારણે તેઓ આટલું લાંબુ જીવી શક્યા. દરરોજ દોડવું, ધ્યાન કરવું અને સંતુલિત આહાર લેવો તેમનો નિયમ હતો. માનસિક તણાવ ટાળવા માટે તેઓ હંમેશા સકારાત્મક વલણ દાખવતા.
દોડો અને સ્વસ્થ રહો:
નિષ્ણાતોના મતે દરરોજ દોડવું એ તેમના લાંબા આયુષ્યનું મુખ્ય કારણ હતું. સામાન્ય રીતે દદોડવાને શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવે છે, પરંતુ દોડવાથી માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય સારું રહે છે.
એક અભ્યાસ મુજબ દરરોજ દોડવાથી હૃદયના સ્નાયુઓ મજબૂત થાય છે અને રક્ત પરિભ્રમણ સુધરે છે. અઠવાડિયામાં મધ્યમ ગતિએ 150 મિનિટ દોડવાથી હૃદય રોગનું જોખમ 30 ટકા ઓછું થઈ શકે છે.
દોડવાથી એન્ડોર્ફિન હોર્મોન્સનો શરીરમાં સ્ત્રાવ વધે છે, જેને કારણે તણાવ અને હતાશા ઘટે છે. દોડવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી રોગો સામે લડવાની ક્ષમતા વધે છે.