ફ્લાઈટમાં પાઈલટને મુક્કો મારવાનું કારણ શું હતું, આ હકીકત બહાર આવી..
નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઇન્સના વિમાનના પાઇલટને એક પ્રવાસીએ મુક્કો મારવાના વીડિયોની આજે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. આ ઘટના દરમિયાન પ્લેનમાં રશિયાની એક મહિલા પ્રવાસીએ આખી ઘટનાનો વીડિયો ફોનમાં કેદ કર્યો હતો. ભારતમાં રહેતી આ રશિયાની મોડલ Evgenia Belskaiaએ પ્લેનમાં ખરેખર શું બન્યું એની ઘટના વિગતવાર જણાવી હતી.
દિલ્હીથી ગોવા જનારી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ ધુમ્મસને કારણે દસ કલાક જેટલી મોડી પડી હતી. આ વાતને લઈને એક પ્રવાસીએ પાઇલટને મુક્કો માર્યો હતો. આ ઘટના અંગે રશિયાની મોડલે કહ્યું હતું કે મારી ટીમ સાથે હું દિલ્હીથી ગોવા જવા માટે આ પ્લેનમાં બેસી હતી. દિલ્હી-ગોવા આ ફ્લાઈટ સવારે 7.40 વાગ્યે ટેક-ઓફ્ફ થવાની હતી, પણ ઈન્ડિગો દ્વારા ફ્લાઈટ એકાદ કલાક સુધી મોડી પડશે એવું જણાવ્યું હતું. આ ફ્લાઈટ 10 કલાક સુધી મોડી પડી હતી. ત્યાર બાદ અમને પ્લેનમાં બોર્ડિંગ કરવાનું કહ્યું હતું. ટેક ઓફ કર્યા પહેલા પાઇલટે ફ્લાઈટ માત્ર બે કલાક મોડી પડી છે, એવી અનાઉન્સમેન્ટ કરી હતી. ત્યાર બાદ પ્રવાસીઓને આક્રોશ વ્યક્ત કરતાં પ્લેનમાં હાજર રહેલા ક્રૂ મેમ્બર અને પાઇલટને સવાલ કર્યા હતા, એમ તેણે જણાવ્યું હતું.
રશિયન મોડલે એક વીડિયો પોસ્ટ કરી આખી ઘટના અંગે હકીકત જણાવી હતી. રશિયન મહિલાએ કહ્યું હતું કે પાઇલટ પર હુમલો કરવાની ઘટનાની હું નિંદા કરું છું, પણ આ આખી ઘટના પાછળ પાઇલટ પણ જવાબદાર છે. ફ્લાઈટ 10 કલાક મોડી પડતાં પ્રવાસીઓને પાઇલટને અનેક સવાલ પૂછ્યા હતા, પણ પાઇલટે તમે લોકો ખૂબ જ સવાલ પૂછી રહ્યા છો એવું કહી ફ્લાઈટ મોડી પાડવાનોનું કારણ તમે જવાબદાર છો.
ઇન્ડિગો એરલાઇન્સના વિમાનના બનેલી ઘટનામાં પાઇલટ પર હુમલો કરનાર પ્રવાસી સામે એફઆઇઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. આ ઘટના પછી એરપોટના સિક્યોરિટી સ્ટાફ દ્વારા આરોપીને પ્લેનમાંથી ઉતારી તેની અટક કરવામાં આવી હતી. આરોપીએ તેણે કરેલા વર્તન બદલ માફી પણ માગી છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.