
મુંબઈ: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડમાં બૉલીવૂડના સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીને પણ પદ્મભૂષણ એવોર્ડ 2024 માટે પસંદ કરવામાં આવ્યા હતા. 80 અને 90ના દસકામાં અનેક સુપરહિટ ફિલ્મો વડે ભારતીય સિનેમામાં પોતાનું યોગદાન આપનાર ડિસ્કો ડાન્સર મિથુનદાએ પદ્મભૂષણ એવોર્ડ માટે પસંદગી થતાં મજાની પ્રતિક્રિયા આપી છે.
બૉલીવૂડમાં ડિસ્કો ડાન્સરના નામે પ્રખ્યાત મિથુન ચક્રવર્તીએ પદ્મભૂષણ એવોર્ડ માટે સરકાર સાથે તેમના ભારત અને વિદેશના મિત્રોનો પણ આભાર માન્યો હતો. મિથુનદાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આ એવોર્ડને હું ભારત અને ભારતની બહાર મારા મિત્રોને સમર્પિત કરું છું. સખત મહેનત કર્યા બાદ જે સન્માન મળે તેનો આનંદ અલગ જ હોય છે.
મિથુન ચક્રવર્તીનો જન્મ 16 જૂન 1950એ કલકત્તામાં થયો હતો. તેમણે મૃણાલ સેનની ફિલ્મ ‘મૃગયા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. મિથુન ચક્રવર્તીએ તેમની ફિલ્મ કારકિર્દીમાં ડ્રામા, ઍક્શન અને ડાન્સથી અનેક લોકોને દિવાના બનાવી દીધા હતા. મિથુન ચક્રવર્તીની એવર ગ્રીન ફિલ્મોને ફિલ્મને યાદી જાણી લઈએ.
મિથુનદાએ 1976માં ફિલ્મ ‘મૃગયા’થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મ મૃણાલ સેને ડિરેક્ટ કરી હતી જેમાં મિથુનદાને બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. ત્યારબાદ બબ્બર સુભાષ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ડિસ્કો ડાન્સર આજે પણ દર્શકોમાં લોકપ્રિય છે. 1982માં રિલીઝ થયેલી આ ફિલ્મ તેના ગીત અને સ્ટોરીને લઈને કલ્ટ ક્લાસિક બની ગઈ છે. આ ફિલ્મના ગીતને બપ્પી લહેરીએ લખ્યા હતા. આ ફિલ્મમાં ‘આઇ એમ એ ડિસ્કો ડાન્સર’ ‘યાદ આ રહા હે’ સાથે દરેક ગીતો સુપરહિટ થયાની સાથે આજે પણ લોકો વચ્ચે પ્રસિદ્ધ છે. આ ફિલ્મને વિદેશમાં પણ પસંદ કરવામાં આવી હતી.