INDIA ગઠબંધનની બેઠકમાં શું નક્કી થયું? કોંગ્રેસ અધ્યક્ષે શું કહ્યું જાણો? | મુંબઈ સમાચાર
નેશનલ

INDIA ગઠબંધનની બેઠકમાં શું નક્કી થયું? કોંગ્રેસ અધ્યક્ષે શું કહ્યું જાણો?

નવી દિલ્હી: ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં 28 પક્ષના નેતા સામેલ થયા હતા. ખડગે સહિત રાહુલ ગાંધી, સીતારામ યેચુરી, ફારુખ અબદુલ્લાહ, પ્રેમાચંદ્રન, ટીઆર બાબૂ, ડી. રાજાએ પણ પ્રેસ કોન્ફન્સમાં હાજરી આપી હતી.

ખડગેએ જણાવ્યું હતું કે તમામ પક્ષોએ 2024 માટે પોતપોતાની રણનીતિ નક્કી કરી છે. 2 થી 3 કલાક સુધી તેના પર વિચાર વિમર્શ ચાલ્યો હતો અને રણનીતિ પર સહમતિ વ્યક્ત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે સાંસદોના સસ્પેન્ડ થવા અંગે અમે ચર્ચા કરી છે, અમે તેની નિંદા કરી છે અને એક પ્રસ્તાવ પસાર કર્યો છે કે તે લોકતંત્રની વિરુદ્ધ છે.

ખડગેએ પત્રકારોને જણાવ્યું હતું કે વિપક્ષના સાંસદો ફક્ત કેન્દ્રીય ગૃહપ્રધાન કે પીએમ મોદી સંસદમાં નિવેદન આપે અને ઉલ્લંઘન વિશે વિસ્તારપૂર્વક બોલે તેવી માગ કરી રહ્યા હતા, પરંતુ તેઓ સંમત ન થયા. તેઓ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા પરંતુ ગૃહમાં આવ્યા નહિ, સંસદમાં સત્ર ચાલુ છે અને તેઓ ગુજરાતમાં જઇને ઉદ્ઘાટનના કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. તેઓ રેલીઓમાં સંબોધન કરી શકે છે પરંતુ સંસદમાં બોલી ન શકે. તેઓ લોકતંત્રની હત્યા કરી રહ્યા છે, તેવું ખડગેએ કહ્યું હતું.

પીએમ કોણ હશે તેનો નિર્ણય અમે જીત બાદ કરીશું. અમારું પહેલું કામ છે ચૂંટણી જીતવી, એ પછી અમે નક્કી કરીશું. INDIA ગઠબંધનમાં બેઠકોની વહેચણી રાજ્ય સ્તરે થશે. દિલ્હી અને પંજાબ જેવા રાજ્યોમાં બેઠકોની વહેચણીનો નિર્ણય બાદમાં લેવાશે. INDIA ગઠબંધનના તમામ પક્ષો 31 ડિસેમ્બર સુધી બેઠકોની વહેચણી અંગે વિચાર-વિમર્શ કરી જાન્યુઆરીથી સંયુક્તપણે કેમ્પેઇન શરૂ કરશે.

Back to top button