નવરાત્રિના ઉપવાસમાં ટ્રેનની મુસાફરીમાં શું ખાશો? IRCTC આપશે વિશેષ સુવિધા

જો તમે નવરાત્રિનો ઉપવાસ રાખ્યો છે અને કોઇ કારણોસર ટ્રેનની લાંબી મુસાફરી કરવી પડે એમ છે, તો ફિકર નોટ! રેલવે વિભાગ તમને સાત્વિક ભોજનની વિશેષ સવલત આપી રહ્યું છે. આ ખાસ સ્ટેશનો પર નવરાત્રિ દરમિયાન વ્રતનું ભોજન તમને મળી રહેશે.
IRCTC દ્વારા ઉપવાસ કરનારા મુસાફરો માટે વિશેષ વ્રતનું ભોજન ઇ-કેટરિંગ સર્વિસના માધ્યમથી ઉપલબ્ધ થશે. ભોજનમાં સિંધવ મીઠામાંથી બનેલી સાબુદાણાની ફરાળી વાનગીઓ હશે. સાબુદાણાની ખીચડી, મખાના, ફરાળી નમકીન, આલુ ટિક્કી, જીરા આલુ, નવરાત્રિ સ્પેશિયલ થાળી, સાબુદાણાના વડા જેવી વાનગીઓ, તથા મીઠાઇઓ જેવી કે મલાઇ બર્ફી, રસમલાઇ, મિલ્ક કેક, લસ્સી, દહીં જેવી સામગ્રીઓ પણ આપવામાં આવશે દેશના 96થી વધુ સ્ટેશનો પર વ્રતના ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં નવી દિલ્હી, કાનપુર સેન્ટ્રલ, જબલપુર, રતલામ, જયપુર, પટના, રાજેન્દ્ર નગર, અંબાલા, ઝાંસી, ઓરંગાબાદ, ઇટારસી, વસઇ રોડ, નાસિક રોડ, સુરત, કલ્યાણ, બોરીવલી, દુર્ગ, ગ્વાલિયર, મથુરા, નાગપુર, ભોપાલ અને અહેમદનગર સહિતના સ્ટેશનો સામેલ છે.
મુસાફરોએ યાત્રાના સમયથી 2 કલાક પહેલા IRCTCની વેબસાઇટ પર પ્રિ ઓર્ડર કરવાનું રહેશે. IRCTCની ઇ-કેટરિંગ વેબસાઇટ પર અથવા “ફૂડ ઓન ટ્રેક” એપના માધ્યમથી ઓર્ડર આપવાનો રહેશે. www.ecatering.irctc.co.in વેબસાઇટ પર ઓર્ડર કરવા માટેના વિકલ્પો મળી રહેશે.