અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી પર ભાજપનો પ્રહારઃ ચૂંટણી જાહેર થઈ હવે તો આવો

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હવે એક પણ રાજકીય પક્ષ બીજા રાજકીય પક્ષની ટીકા કરવાનો મોકો છોડશે નહીં. આ રાજ્યની ચૂંટણી મહત્વની છે ત્યારે કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ભાજપે નિશાના પર લીધા છે. બિહારની ચૂંટણી પહેલા વોટચોરીનો મામલો ઉછાળનારા રાહુલ ગાંધી પંદરેક દિવસથી દક્ષિણ અમેરિકામાં છે ત્યારે ભાજપના આઈટી સેલના અધ્યક્ષ અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલની ટીકા કરી છે. માલવિયાએ લખ્યું છે કે હવે તો 15 દિવસ થયા. તેમના પ્રવાસનો અસલ હેતુ છુપાવવા માટે અમુક વીડિયો બનાવવામાં આવ્યા, તે સિવાય હવે કોઈ માહિતી નથી. તેમણે સવાલો પણ કર્યા હતા કે રાહુલ ક્યા છે અને તેમના પ્રવાસ મામલે આટલી ગુપ્તતા શા માટે રાખવામાં આવે છે.
અગાઉ માલવિયાએ રાહુલને ટકાક્ષ કરતા કહ્યું હતું કે રાહુલ કોફી બનાવતા શિખી ગયા છે અને કોલંબિયામાં વેકેશન માણી રહ્યા છે, તેમણે ભારત પાછા ફરવું જોઈએ. બિહારની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. કૉંગ્રેસ પોતાની હાર માટે તેના ગૂમ થયેલા નેતાને બદલે બીજા બધાને દોષ આપશે.
આ પણ વાંચો: અફઘાન મંત્રીની પ્રેસ કોન્ફરન્સ મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી, કર્યા આ પ્રહાર…
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પણ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે અગાઉ સ્વ. રાજીવ ગાંધીની સરકાર સમયે તેમના જ પ્રધાનોના વિદેશ પ્રવાસ અને ત્યારબાદ જાસૂસી કરવાના થયેલા આક્ષેપોનો હવાલો આપી રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસની તપાસ કરવાની માગણી કરી હતી.