સાંસદ પદ છીનવાઇ ગયા બાદ હવે મહુઆ મોઇત્રા પાસે કયા વિકલ્પ રહેશે…

નવી દિલ્હી: કેશ ફોર ક્વેરી કેસમાં તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની સાંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સંસદની એથિક્સ કમિટીના રિપોર્ટના આધારે શુક્રવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અવાજ મતથી આ ઠરાવ પસાર કર્યો અને મોઇત્રાને સંસદના સભ્યપદેથી હાંકી કાઢ્યા હતા. જ્યારે વિપક્ષે તેને લોકશાહીની હત્યા ગણાવી હતી, ત્યારે ભાજપ આરોપ લગાવી રહ્યું છે કે સાંસદ મહુઆ મોઇત્રાએ વિશેષાધિકારનો ભંગ કર્યો છે.
પશ્ચિમ બંગાળના કૃષ્ણનગર સીટના ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પર ગંભીર આરોપ લાગ્યા હતા જેમાં એક આરોપ એવો હતો કે 2019-23 ની વચ્ચે મહુઆ મોઇત્રાના આઇડીમાંથી લોગિન કરીને 61 વખત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જે મહુઆએ નહોતા પૂછ્યા પરંતુ તેના વતી દર્શન હિરાનંદાનીએ પૂછ્યા હતા.
બીજો આરોપ એ હતો કે મહુઆએ સંસદીય લોગિન આઈડી અને પાસવર્ડ અન્ય વ્યક્તિને આપ્યો હતો જેમાં સંવેદનશીલ માહિતી હતી. સંસદની એથિક્સ કમિટીએ ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા આપવામાં આવેલી લેખિત ફરિયાદના આધારે મહુઆ મોઈત્રાનું સાંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.
હવે સાંસદ સભ્યપદ છીનવાઇ ગયા બાદ મોઇત્રા પાસે કયા વિકલ્પો રહેશે. ત્યારે બંધારણીય નિષ્ણાતોના મતે મહુઆ પાસે હવે પાંચ વિકલ્પો બચ્યા છે.
સૌ પ્રથમ તો મહુઆ ઈચ્છે તો તે સંસદને તેના નિર્ણયની ફરી વિચાર કરવા વિનંતી કરી શકે છે. જો કે સંસદ ફરી વિચાર કરવા તૈયાર થાય છે કે નહિ તે સંસદ પર નિર્ભર કરે છે. બીજી રીતે જોઇએ તો મૂળભૂત અધિકારો અને કુદરતી ન્યાયના ઉલ્લંઘનના મુદ્દા પર મહુઆ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે. અને જો આ બંને રીતે મહુઆએ આગળ ના વધવું હોય તો તેની પાસે ત્રીજો વિકલ્પ એ રહે છે કે સાંસદ ના આ નિર્ણય સ્વીકારી અને ચાર મહિનામાં ફરીથી ચૂંટણી લડવી જોઇએ.
મહુઆ એવી પણ દલીલ કરી શકે છે કે એથિક્સ કમિટીએ તેના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે કે પછી દ્વેષ અથવા પૂર્વગ્રહ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત તે એવી પણ દલીલ કરી શકે છે કે આ બાબતને વિશેષાધિકાર સમિતિ દ્વારા જોવામાં આવવી જોઈએ.
જો કે મહુઆએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેણે પૂછ્યું હતું કે મારા પર આટલા મોડેથી આરોપ કેમ દાખલ કરવામાં આવ્યા. આ ઉપરાંત મારા પર લાગેલા આરોપો માટે કોઈ પુરાવા નથી. જોકે મહુઆએ કબૂલ્યું હતું કે સાંસદ તરીકે તેણે સંસદમાંથી મળેલા બે લોગીનમાંથી એકનો પાસવર્ડ હિરાનંદાનીને આપ્યો હતો.