રેલ દુર્ઘટના અટકાવનારી KAVACH System છે શું ? સિસ્ટમ હોવા છતાં પણ કેમ સર્જાય છે રેલ દુર્ઘટના?
ઉત્તર પ્રદેશના ગોંડામાં આજે એટલે કે ગુરુવારે એક ટ્રેન અકસ્માત થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 થી 12 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. પરંતુ પ્રશ્ન એ છે કે અકસ્માતો સામે રક્ષણ આપતી ‘કવચ’ સિસ્ટમ આ અકસ્માત દરમિયાન કેમ કામ નથી કરી રહી. દરેક રેલવે દુર્ઘટના બાદ ચર્ચામાં આવતી કવચ સિસ્ટમ છે શું ? ચાલો તેના વિશે જાણીએ.
દેશમાં છેલ્લા કેટલાક મહિનામાં રેલ્વે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આજે ઉત્તર પ્રદેશના ગોંડામાં દિબ્રુગઢ એક્સપ્રેસ અકસ્માત ઉપરાંત એક મહિના પહેલા 17 જૂનની સવારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ટ્રેન દુર્ઘટના સર્જાય હતી. હવે સવાલ એ છે કે આ અકસ્માતો દરમિયાન ભારતીય રેલ્વેની કવચ વ્યવસ્થા કેમ કામ નથી કરી રહી.
શું છે કવચ સિસ્ટમ:
ભારતીય રેલ્વે દ્વારા ટ્રેન અકસ્માતોને રોકવા માટે રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનએ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ બનાવી. જેને કવચ સિસ્ટમ નામ આપવામાં આવ્યું હતું. આ કવચ સિસ્ટમ પર કામ વર્ષ 2012થી શરૂ કરવામાં આવ્યું હતું. તેની પ્રથમ ટ્રાયલ વર્ષ 2016માં કરવામાં આવી હતી. તેને સમગ્ર ભારતમાં સ્થાપિત કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
કવચ સિસ્ટમ એ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો એક સેટ છે જે ટ્રેન અકસ્માતોને અટકાવે છે. જેમાં ટ્રેન, રેલવે ટ્રેક, રેલવે સિગ્નલ સિસ્ટમ અને દરેક સ્ટેશન પર એક કિલોમીટરના અંતરે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઈસ લગાવવામાં આવે છે. સિસ્ટમમાં બધું અલ્ટ્રા હાઇ રેડિયો ફ્રીક્વન્સી દ્વારા કામ કરે છે.
કઈ રીતે કામ કરે છે કવચ સિસ્ટમ ?
જો કોઈ ટ્રેનમાં ડ્રાઈવર સિગ્નલ તોડીને આગળ નીકળી જાય છે. તો આ બાદ કવચ સિસ્ટમ ઓટોમેટિક સક્રિય થઈ જાય છે. કવચ સિસ્ટમ તેના સક્રિય થયા પછી તરત જ ટ્રેન પાઇલટને ચેતવણી આપે છે. આ પછી કવચ સિસ્ટમ આપમેળે ટ્રેનની બ્રેકને નિયંત્રિત કરે છે. આ દરમિયાન કવચ તંત્રને ખબર પડે કે પાટા પર સામેથી ટ્રેન આવી રહી છે તો તે ઓટોમેટિકલી સામેની ટ્રેનને રોકે છે.
આમ સામાન્ય શબ્દોમાં વાત કરીએ તો જો ભારતીય રેલ્વેના કોઈપણ એક ટ્રેક પર એક જ સમયે બે ટ્રેન આવતી હોય, તો કવચ સિસ્ટમ સક્રિય થઈ જાય છે. અને બંને ટ્રેનોને એકબીજા સાથે અથડાતા અટકાવે છે.
જો કે હાલ ભારતના ઘણા રેલ્વે રૂટમાં કવચ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવામાં નથી આવી. જલપાઈગુડી રૂટ પર પણ કવચ સિસ્ટમ લગાવવામાં નથી આવી. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં દક્ષિણ મધ્ય રેલવેમાં 1465 કિલોમીટરના રૂટ પર અને 139 એન્જિનમાં કવચ સિસ્ટમ લગાવવામાં આવી છે.