Sandeshkhali incident: જાણો શા માટે બંગાળનું સંદેશખાલી સળગી રહ્યું છે? કોના પર મહિલાઓએ ગંભીર આરોપ કર્યા? અહી જાણો

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં છેવાડાનું એક ગામ સંદેશખાલી (sandeshkhali incident) આજકાલ સમાચારોમાં ઘણું જ ચર્ચામાં છે. સંદેશખાલીને લઈને ભાજપ TMC સરકાર અને મમતા બેનર્જીને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. સંદેશખાલીની મુલાકાત કરવા જતાં ભાજપાના નેતાઓને પણ પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે. આ ગામમાં મહિલા સુરક્ષાને લઈને ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. આજે આપણે આ લેખમાં જાણીશું કે સંદેશખાલીનો મુદ્દો શું છે? આ ગામ ક્યાં આવેલું છે? શું આરોપો થઈ રહ્યા છે? અને શા માટે સમાચારોમાં આટલું ચર્ચામાં છે?
બંગાળની રાજધાની કોલકાતાથી લગભગ 80 કિલોમીટર દૂર સ્થિત સંદેશખાલી ઉત્તર 24 પરગણા જિલ્લાના બશીરહાટ પેટાવિભાગમાં આવે છે. બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં, લઘુમતી અને આદિવાસી સમુદાયના મોટાભાગના લોકોની વસ્તી આવેલી છે. ગયા મહિને, જ્યારે EDની ટીમે તૃણમૂલ કોંગ્રેસના TMC નેતા શાહજહાં શેકેના ઘરે દરોડા પાડ્યા હતા, ત્યારે તેણે ED ટીમ પર જ હુમલો કર્યો હતો, જેના પછી આ વિસ્તાર સમાચારોમાં ચમક્યો હતો.
અહીંની મહિલાઓ છેલ્લા કેટલાક દિવસોથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા શાહજહાં શેખ (Shahjahan Shaikh) અને તેના સમર્થકોના અત્યાચાર સામે મોરચો માંડ્યો છે. સંદેશખાલીની પીડિત મહિલાઓએ પોતાની આપવીતી વર્ણવી છે. આ પીડિત મહિલાઓએ TMC નેતા શાહજહાં શેખ અને તેના સમર્થકો પર જાતીય અત્યાચર કરવાના અને જમીનો કબ્જે કરી લેવાના ગંભીર આરોપ લગાવ્યા છે.
ગંભીર આક્ષેપો કરતાં એક મહિલા જણાવે છે કે TMCના લોકો ગામમાં ઘરે ઘરે જાય છે અને જો કોઈ સુંદર મહિલા કે છોકરી જોવા મળી જાય તો શાહજહાં શેખના લોકો તેને પાર્ટી ઓફિસ અથવા તો કોઈ અન્ય જગ્યા પર જઈને તેની સાથે જાતીય અત્યાચાર કરે છે અને પછી ઘર કે તેની સામે છોડી મૂકે છે. જેવો આ મામલો સમી આવ્યો એટલે ખુદ રાજ્યપાલે આ ગંભીર મુદ્દની નોંધ લીધી અને ગામની મુલાકાત કરી. મીડિયા સાથે વાત કરતાં રાજ્યપાલે હતું કે સંદેશખાલીમાં જે કઈ થયું તે હોંશ ઉડાવી ડે તેવું છે!
આ પછી BJPએ આ મામલે બંગાળ સરકારને ઘેરીને વિરોધ શરૂ કર્યો. 13 ફેબ્રુઆરીએ પાર્ટીએ આને લઈને બશીરહાટમાં એસપી ઓફિસની સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું, જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
કોણ છે શાહજહાં શેખ?
સંદેશખાલી કેસનો મુખ્ય આરોપી શાહજહાં શેખ છે જે 5 જાન્યુઆરીથી ફરાર છે. પશ્ચિમ બંગાળના રાશન વિતરણ કૌભાંડમાં આશરે રૂ. 10,000 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં શાહજહાં શેખના નિવાસસ્થાને દરોડો પાડવા 5 જાન્યુઆરીએ EDની ટીમ જ્યારે શાહજહાં શેખના નિવાસસ્થાને પહોંચી ત્યારે તેના સમર્થકોએ ત્યાં ED અધિકારીઓ પર હુમલો કર્યો હતો. 200 થી વધુ સ્થાનિક લોકોએ અધિકારીઓ અને તેમની સાથે આવેલા અર્ધલશ્કરી દળોના વાહનોને ઘેરી લીધા હતા.
આ પહેલા EDએ શાહજહાં વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ફટકારી કરી હતી. જે બાદ શાહજહાંની એક ઓડિયો ક્લિપ સામે આવી હતી. આમાં શાહજહાં કહે છે કે મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ આપણે અપરાધ અને ખોટા કામો સામે લડવું પડશે. હું ક્યારેય કોઈ ગુનામાં સામેલ થયો નથી. જો કોઈ સાબિત કરે કે મેં કંઈ ખોટું કર્યું છે, તો હું મારો જીવ આપવા તૈયાર છું. હું મારો ચહેરો પણ નહીં બતાવું’
સંદેશખાલીમાં તણાવના કારણે સ્થિતિ ગંભીર છે અને સમગ્ર વિસ્તાર સળગી રહ્યો છે. પીડિત મહિલાઓ ન્યાયની માંગ કરી રહી છે અને સંદેશખાલી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી રહી છે. ભાજપ બંગાળના ખૂણે ખૂણે રસ્તા પર ઉતરી રહ્યું છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જી સામે ગુસ્સો છે.