જો લતા મંગેશકરે ‘રામ આયેંગે’ ગાયું હોત તો? સાંભળો AIની કમાલ!
Shri Ram Mandirનું આવતીકાલે ઉદ્ઘાટન છે. સમગ્ર દેશ હાલ ‘રામમય’ બની ગયો છે, ત્યારે જય શ્રીરામના નારા સાથે ભગવાનના અનેક ભજનો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સ્વાતિ મિશ્રાએ ગાયેલું ‘રામ આયેંગે’ ભજન અત્યારે ખૂબ જ લોકપ્રિય થયું છે ત્યારે સોશિયલ મીડિયા પર AIની કરામતનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં આ ગીત લતા મંગેશકરના અવાજમાં કેવું ગવાયું હોત તેની કલ્પના કરવામાં આવી છે.
AIના આ વીડિયો વાયરલ થતા પહેલા પીએમ મોદીએ પણ લતા મંગેશકરનું એક ભજન શેર કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે રામમંદિરના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ લતાજીને યાદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લતા મંગેશકર પ્રભુ શ્રીરામના પ્રખર ભક્ત હતા.
પીએમ મોદીએ લતા મંગેશકર દ્વારા ગાયેલા એક શ્લોકનો વીડિયો સોશિયલ મીડિયા સાઇટ X પર શેર કર્યો હતો, અને લખ્યું હતું કે આ તેમના દ્વારા ગવાયેલો અંતિમ શ્લોક છે તેવું લતાજીના પરિવારજનોએ પીએમ મોદીને જણાવ્યું હતું.
આવતીકાલે અયોધ્યામાં યોજાનારા રામમંદિરના ઉદ્ઘાટન સમારોહમાં અનેક ખ્યાતનામ બોલીવુડ કલાકારો, બિઝનેસજગતની હસ્તીઓ, પ્રખ્યાત ક્રિકેટરો સામેલ થશે. દેશ વિદેશની અનેક VVIP મહેમાનો આવશે. વિરાટ કોહલી, અનુષ્કા શર્માથી લઈને રજનીકાંત, ધનુષ, અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રણદીપ હુડ્ડા, વિન્દૂ દારા સિંહ, ટાઈગર શ્રોફ, જૈકી શ્રોફ, આયુષ્માન ખુરાના, યશ, મધુર ભંડારકર, ચિરંજીવી, માધુરી દીક્ષિત, શ્રીરામ નેને, માલિની અવસ્થી, પ્રભાસ, અજય દેવગણ, અક્ષય કુમાર સહિતના કલાકારોને આમંત્રણ અપાયું છે.