પિરિયડ્સ સમયે રજાઃ SCએ મહિલાઓને આ સુવિધા આપવા મામલે શું કહ્યું?

નવી દિલ્હીઃ મહિલાઓને પીરિયડ લીવ (period leave) આપવા સંબંધિત અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે સ્પષ્ટ કહ્યું કે નીતિ વિષયક વિષય છે, સુપ્રીમ કોર્ટ આ મામલે નિર્ણય ન આપી શકે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતાં કેન્દ્રને રાજ્યો અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કરીને મોડેલ પોલિસી ઘડવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે મહિલાઓને આ પ્રકારની રજાઓ આપવાનો નિર્ણય તેમની માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે.
કોર્ટે કહ્યું કે આ રજાઓથી વધારે મહિલાઓ કામ કરતી થાય તેમ બને, પરંતુ જરૂરીયાતમંદ મહિલાઓને ઓછું કામ મળે તેમ બની શકે અને અમે તેમ ઈચ્છતા નથી. તેમણે અરજકર્તાઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ સમક્ષ પોતાની વાત રજૂ કરવાની પરવાનગી આપી હતી.
આ પણ વાંચો: મેન્સ્ટ્રુઅલ લીવ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો, કોર્ટે કહ્યું કે અમે એવું નથી ઈચ્છતા કે…
અરજીમાં શું માંગણી કરવામાં આવી હતી
વકીલ શૈલેન્દ્રમણિ ત્રિપાઠી વતી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. મેટરનિટી બેનિફિટ એક્ટની જોગવાઈઓનો અમલ કરવા માટે નિરીક્ષકોની નિમણૂક પણ સુનિશ્ચિત કરવી જોઈએ તેમ જણાવાયું હતું. હાલમાં બિહાર એકમાત્ર રાજ્ય છે જે 1992ની પોલિસી હેઠળ ખાસ માસિક ધર્મ સમયે રજાની જોગવાઈનો અમલ કરે છે. આ અરજીમાં મેટરનિટી બેનિફિટ એક્ટ, 1961ની કલમ 14ને અસરકારક રીતે લાગુ કરવા માટે સુપ્રિમ કોર્ટને સૂચના આપવાની માંગ કરવામાં આવી હતી.
તમારું શું મંતવ્ય છે
એક તરફ માસિક ધર્મ સમયે મહિલાઓએ આરામ કરવો જોઈએ તેમ માનવામાં આવે છે તો બીજી બાજુ વધુ મહિલાઓ ધરાવતી સંસ્થાઓ, એકમો,કચેરીઓ માટે બે કે ત્રણ દિવસની રજા આપવાનું શક્ય બનતું નથી. મોટી સંખ્યામાં મહિલાકર્મીઓ ધરાવતા એકમોમાં એકસાથે મહિલાઓ આ સમયમાંથી પસાર થતી હોય તેમ બને અને તેથી તેમનું કામકાજ અટકી પડે તે વાત નકારી શકાય તેમ નથી. આ સ્થિતિમાં કામ કરતી મહિલાઓ માટે શું કરી શકાય તે અંગે આપ શું મંતવ્ય ધરાવો છો, તે અમને કૉમેન્ટ બૉક્સમાં જણાવો.