Kolkata Rape Case : ડો. સંદીપ ઘોષની આ બાબતથી મૂંઝવણમાં મુકાઇ CBI, 15 દિવસથી સતત પૂછપરછ

કોલકાતા: કોલકાતાના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ટ્રેઇની મહિલા ડૉક્ટરનો રેપ(Kolkata Rape Case) અને મર્ડર કેસ હજુ સુધી ઉકેલાયો નથી. સીબીઆઈ છેલ્લા 15 દિવસથી પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષની અલગ અલગ રીતે સતત પુછપરછ કરી રહી છે. સંદીપ ઘોષનો પોલિગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. આ અંગે પીડિતાના માતા પિતાને ખોટી માહિતી આપવા બદલ સંદીપ ઘોષને સવાલો કરવામાં આવી રહ્યા છે. સીબીઆઈ એ વિગતની તપાસ કરી રહી છે આ ઘટનાના અડધો કલાક બાદ પ્રિન્સિપાલને એની જાણ કેમ થઈ.
સવારે 9.30 કલાકે લાશ મળી આવી હતી
પ્રિન્સિપાલને જાણ કરતા પહેલા ઓથોરિટીએ પીડિતાના માતા-પિતાને ફોન કરીને જાણ કરી કે તેમની દીકરીએ આત્મહત્યા કરી લીધી છે. એજન્સીએ જાણવાનો પણ પ્રયાસ કરી રહી છે કે ઘોષના સહયોગી સેમિનાર હોલમાં કેવી રીતે પહોંચ્યા તેમ છતાં તેમણે દાવો કર્યો હતો કે તેમને ઘટના વિશે કોઈ માહિતી નથી. એક ચેનલે અહેવાલ આપ્યો કે સંદીપ ઘોષને 9 ઓગસ્ટના રોજ સવારે 10.20 વાગ્યે રેપ અને મર્ડરની જાણ થઈ. જ્યારે સવારે 9.30 કલાકે લાશ મળી આવી હતી.
હોસ્પિટલે તેમને અડધા કલાકના વિલંબથી જાણ કરી
પોલીસને 10:10 વાગ્યે જાણ કરવામાં આવી હતી. ડૉ. સંદીપ ઘોષે જણાવ્યું કે હોસ્પિટલે તેમને અડધા કલાકના વિલંબથી જાણ કરી. ડો. ઘોષને સુમિત રોય તાપદારનો ફોન આવ્યો હતો જેઓ રેસ્પિરેટરી દવા વિભાગમાં સહયોગી પ્રોફેસર છે. ડો. ઘોષે કહ્યું કે તે સ્નાન કરી રહ્યા હતા તેથી તે ફોન ઉપાડી શકયા નહીં. તેની બાદ જ્યારે પાછો ફોન આવ્યો ત્યારે 10.20 વાગ્યે ઘટનાની જાણકારી મળી. આ પછી તેઓ 11 વાગે ઓફિસ પહોંચ્યા.
સંજય રોયની ધરપકડ કરવામાં આવી
આ ઘટનાની વિગત મુજબ ટ્રેઇની મહિલા ડોક્ટર 9 ઓગસ્ટના રોજ સેમિનાર હોલમાં આરામ કરવા ગઈ હતી અને ત્યાં તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. ઓટોપ્સીથી જાણવા મળ્યું કે મહિલા ડોક્ટર પર રેપ થયો હતો. તેને માર મારવામાં આવ્યો અને પછી ગળું દબાવવામાં આવ્યું. મહિલા તબીબને આંતરિક અને બાહ્ય ઈજાઓ થઈ હતી. આ કેસમાં મુખ્ય આરોપી ગણાતા સિવિક વૉલીયન્ટર સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે.