પશ્ચિમ બંગાળમા વકફ કાયદાનો વિરોધ હિંસક બન્યો, અનેક ગાડીઓમા આગ ચાંપી, પોલીસે લાઠીચાર્જ કર્યો

નવી દિલ્હી : દેશના અનેક રાજયમાં થઇ રહેલા વકફ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં નવા વક્ફ કાયદા સામેનો વિરોધ હિંસક બન્યો છે. આ વિરોધ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો અને પોલીસ વાહનોને આગ ચાંપી દીધી હતી. શરૂઆતમાં પોલીસે પ્રદર્શનકારીઓને એક જગ્યાએ વિરોધ કરવા કહ્યું પરંતુ અચાનક પ્રદર્શનકારીઓ તે સ્થળથી આગળ વધવા લાગ્યા હતા. જેની બાદ પોલીસ અને પ્રદર્શનકારી વચ્ચે ઘર્ષણ થયું હતું.
અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા
આ દરમિયાન તેમની અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ વિરોધીઓએ બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતા. તેની બાદ પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો. પોલીસકર્મીના જણાવ્યા મુજબ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડયા હતા. આ હિંસામાં અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
આ પણ વાંચો: વકફ કાયદો બનતાની સાથે જ મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં; વિરોધ પક્ષના નેતાની ચિંતા વધશે?
મમતા બેનર્જીના ભડકાઉ ભાષણોએ હિંસાને વેગ આપ્યો : ભાજપ
આ અંગે ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ ફરી હિંસા ભડકી છે. મુર્શિદાબાદના રસ્તાઓ પર ધમાલ મચાવી રહેલા હિંસક ઇસ્લામિક ટોળાઓને કાબૂમાં લેવા માટે પશ્ચિમ બંગાળ પોલીસ સંઘર્ષ કરી રહી છે. મમતા બેનર્જીના ભડકાઉ ભાષણોએ હિંસાને વેગ આપ્યો છે. આ એ જ વિસ્તાર છે જ્યાં તાજેતરમાં કાર્તિક પૂજાની ઉજવણી દરમિયાન હિન્દુઓ પર વારંવાર હુમલો કરવામાં આવ્યો હતો. મમતા બેનર્જીનું મુસ્લિમ તુષ્ટિકરણ બંગાળને ખતરનાક રીતે બાંગ્લાદેશના માર્ગ પર લઈ જઈ રહ્યું છે.