પશ્વિમ બંગાળમાં ટ્રેનમાં મહિલાની છેડતીઃ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા મહિલા પંચની માંગ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક એક્સપ્રેસ ટ્રેનમાં એક મહિલા મુસાફર સાથે છેડતી અને ગુપ્ત રીતે મોબાઇલ ફોનમાં તેનો વીડિયો રેકોર્ડ કરવાના અહેવાલોની નોંધ લેતા રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ) એ આરોપીઓ સામે એફઆઇઆર નોંધવાની માંગ કરી છે. કમિશને સોશિયલ મીડિયા મારફતે આ જાણકારી આપી હતી.
એનસીડબલ્યૂનાં અધ્યક્ષ વિજયા રહાટકરના નિર્દેશ પર કાર્યવાહી કરતા કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કાનૂની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો: ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલાની છેડતી
કમિશનને જણાવવામાં આવ્યું હતું કે આરોપીએ પીડિતાની અંગત માહિતી પણ ઓનલાઈન જાહેર કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે અધિકારીઓને વિનંતી કરી છે કે તેઓ ખાતરી કરે કે એફઆઇઆરમાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અધિનિયમ, 2023ની કલમ 77, સાથે સાથે આ જ અધિનિયમની કલમ 75 અને 79ને પણ સામેલ કરવામાં આવે.
એનસીડબલ્યૂએ માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000ની કલમ 66ઇ તરફ પણ ધ્યાન દોર્યું, હતું જે ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા ગોપનીયતાના ઉલ્લંઘન માટે સજાની જોગવાઈ કરે છે. આ ઘટના 5 માર્ચે બની હતી, જ્યારે મહિલા બાલુરઘાટ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી.