નેશનલ

બંગાળમાં ‘ઓપરેશન સિંદૂર’ અંગે રાજકીય ગરમાવો: મમતાના બે નિર્ણયો સામે BJPના આકરા પ્રહાર!

કોલકાતા: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યાર બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કરેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor)નો મુદ્દો હાલ દેશભરમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલો મુદ્દો છે. ઓપરેશન સિંદૂર બાદ ભારતીય જનતા પાર્ટી(BJP) ઘણા શહેરોમાં તિરંગા યાત્રા (Tiranga Yatra) યોજી રહી છે, વિપક્ષનો આરોપ છે કે ભાજપ ઓપરેશન સિંદૂરનો રાજકીય લાભ લઇ રહ્યું છે, એવામાં પશ્ચિમ બંગાળના શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર પણ સમાન આરોપ લાગી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી(West Bengal assembly election) યોજાવાની છે, જેમાં ઓપરેશન સિંદૂર પણ પ્રચાર માટે મહત્વનો મુદ્દો રહેશે એવી શક્યતા છે. એવામાં TMCએ ઓપરેશન સિંદૂર સંબંધિત બે મોટા નિર્ણયો લીધા છે. રાજ્યના મુખ્ય પ્રધાન અને TMCના વડા મમતા બેનર્જી (Mamata Banerjee)દ્વારા લેવામાં આવેલા આ બંને નિર્ણયોને અગામી વિધાનસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. રાજ્યમાં વિપક્ષ ભાજપ TMC પર હિન્દુ વિરોધી હોવાના સતત આરોપ લગાવી રહ્યું છે.

TMCના બે નિર્ણયો:

  1. પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ અને ઓપરેશન સિંદૂર પર ભારતનો વલણ રજૂ કરવા માટે વિદેશ પ્રવાસ પર જઈ રહેલા પ્રતિનિધિમંડળમાં પાર્ટીના સાંસદ યુસુફ પઠાણના સ્થાને અભિષેક બેનર્જી(Abhishek Banerjee)નું નામ નક્કી કરવામાં આવ્યું છે
  2. પહલગામ આતંકવાદી હુમલાથી માંડીને ઓપરેશન સિંદૂર સુધી જમ્મુ અને કાશ્મીરની વાસ્તવિક પરિસ્થિતિ સમજવા માટે પાંચ સભ્યોનું TMC પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યુસુફ પઠાણને બદલે અભિષેક બેનર્જીની પસંદગી:

ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા યુસુફ પઠાણ બહરામપુર લોકસભા બેઠક પરથી TMCના સાંસદ છે. પાર્ટીએ ગત ગુરુવારે માહિતી આપી કે ‘આતંકવાદ સામે ભારતનું વૈશ્વિક વલણ રજુ કરવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં અમારું પ્રતિનિધિત્વ કરવા માટે મમતા બેનર્જીએ અભિષેક બેનર્જીને નામાંકિત કર્યા છે. તેમનો અવાજ શાંતિ, ન્યાય અને વૈશ્વિક સહયોગ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે.’

અગાઉ મમતાએ કહ્યું હતું કે તેમની પાર્ટીમાંથી કોઈ વિદેશ જઈ રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે પક્ષને પ્રતિનિધિમંડળ માટે નામ સૂચવવા માટે કોઈ વિનંતી મળી નથી.

ભાજપના TMC અને મમતા પર પ્રહાર:

TMCએ પોતાનો નિર્ણય બદલાતા ભાજપે ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપા નેતા અગ્નિમિત્રા પોલે એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું, ‘પશ્ચિમ બંગાળની બહાર અભિષેક બેનર્જીને કોણ ઓળખે છે?… યુસુફ પઠાણને બહારના લોકો પણ ઓળખે છે, તેઓ એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે….તમે મુસ્લિમોને તમારી મુઠ્ઠીમાં માંગો છો… તમે તેમને મુર્ખની જેમ રાખશો… તમે તેમને મદરેસા શિક્ષણ આપશો… તમે તેમને આધુનિક શિક્ષણ નહીં આપો…. એટલા માટે અભિષેક બેનર્જીનું નામ આગળ મૂકવામાં આવ્યું અને યુસુફ પઠાણનું નામ પાછું ખેંચી લેવામાં આવ્યું… યુસુફ પઠાણે બોલવું જોઈતું હતું, પરંતુ મને લાગે છે કે તેઓ આંતરરાષ્ટ્રીય ખેલાડી હોવા છતાં, તેમની હિંમત નથી થઇ રહી.’

TMCનું પ્રતિનિધિમંડળ જમ્મુ અને કાશ્મીર પ્રવાસે:

મમતા બેનર્જીના બીજા નિર્ણય, TMCના પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળને જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે મોકલવાની પણ ચર્ચા થઇ રહી છે. આ પ્રતિનિધિમંડળમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયન, મોહમ્મદ નદીમુલ હક, સાગરિકા ઘોષ, મમતા ઠાકુર અને પશ્ચિમ બંગાળના પ્રધાન માનસ ભૂનિયાનો સમાવેશ થાય છે.

તૃણમૂલ કોંગ્રેસે X પર એક પોસ્ટ પોસ્ટ કરીને લખ્યું, ‘AITC અધ્યક્ષ મમતા બેનર્જીના માર્ગદર્શન હેઠળ, 5 સભ્યોની એક ટીમ શ્રીનગર, પૂંછ અને રાજૌરી જઈ રહી છે. આ ટીમ 21 થી 23 મે સુધી ત્યાં રહેશે. તેઓ સરહદ પારના હુમલાઓથી પ્રભાવિત લોકોને સહાનુભૂતિ આપશે. તેઓ એવા પરિવારોના દુઃખમાં સહભાગી થશે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.’

‘…પણ મુર્શિદાબાદના હિન્દુઓનું ?શું’

TMCને પ્રતિનિધિમંડળને જમ્મુ અને કાશ્મીર મોકલવાના નિર્ણય સામે ભાજપે સવાલો ઉઠાવ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો કે આ બધું વોટ બેંકના રાજકારણ માટે થઈ રહ્યું છે. બંગાળના ઉત્તર 24 પરગણામાં પાર્ટીના નેતા દિલીપ ઘોષે એક ન્યુઝ એજન્સી સાથેના ઈન્ટરવ્યુંમાં જણાવ્યું, “દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ જે જનાક્રોશ ફેલાયો ફેલાયો છે, એ જોઇને TMC એ સમજી લીધું છે કે જો આપણે પાકિસ્તાન વિરુદ્ધ નહીં બોલીએ તો રાજકારણ કરવું મુશ્કેલ બનશે… તેઓ ફક્ત મુસ્લિમ મતોને ધ્યાનમાં રાખીને આવા પગલાં લે છે.”

દિલીપ ઘોષે મમતા બેનર્જીના ઇરાદા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, “તમે કાશ્મીરમાં એક પ્રતિનિધિમંડળ મોકલી રહ્યા છો કે જાણવા કે પાકિસ્તાનનો શેલ ક્યાં પડ્યો છે… પરંતુ મુર્શિદાબાદમાં, જ્યાં હિન્દુઓને નુકસાન થયું છે, તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા છે, મંદિરો તોડવામાં આવ્યા, બે-ત્રણ હત્યાઓ થઈ છે, ત્યાં TMCનું પ્રતિનિધિમંડળ કેમ નથી જતું.”

દરમિયાન, ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ મુર્શિદાબાદ હિંસાના તપાસ અહેવાલના આધારે આરોપ લગાવ્યો છે કે આ હિંસામાં TMCનો હાથ છે કારણ કે મહેબૂબ આલમ, જેને મુર્શિદાબાદનો માસ્ટરમાઇન્ડ છે, તે TMCનો કાઉન્સિલર છે.

આ પણ વાંચો…ઓપરેશન સિંદૂર: TMC તરફથી અભિષેક બેનર્જી કરશે ભારતનું પ્રતિનિધિત્વ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button