મમતાએ કૉંગ્રેસને નહીં બતાવી મમતા, બંગાળની તમામ 42 સીટો પર લોકસભા ચૂંટણી લડશે

કોલકાતાઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ફરી એ વાતનો પુનરોચ્ચાર કર્યો છે કે મમતા બેનરજીની પાર્ટી રાજ્યની તમામ 42 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન સુત્રો પાસેથી માહિતી મળી હતી કે સીટ શેરિંગને લઈને મમતા બેનરજી અને કોંગ્રેસ વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ છે. આ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે મમતા બેનરજી કોંગ્રેસને પાંચ સીટો આપી શકે છે. જો કે, ત્યારે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસને માત્ર બે બેઠકો આપવાની વાત થઈ હતી. આ બધા વચ્ચે શુક્રવારે રાત્રે કોંગ્રેસને ફરી એક ઝટકો લાગ્યો છે.
મળતી માહિતી અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ’બ્રાયને કહ્યું હતું કે થોડા અઠવાડિયા પહેલા TMC ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે TMC રાજ્યની તમામ 42 સીટો પર ચૂંટણી લડવા જઈ રહી છે. આ ઉપરાંત આસામ અને મેઘાલયની તુરા સીટ પરથી પણ ઉમેદવારો ઉભા કરવામાં આવશે. આ સ્થિતિમાં હજુ પણ કોઈ ફેરફાર થયો નથી. ટીએમસી સાંસદના નિવેદનથી સ્પષ્ટ છે કે તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે નહીં અને રાજ્યની તમામ 42 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી કરી રહી છે.
લોકસભા આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ સાથે હાથ મિલાવ્યા બાદ કોંગ્રેસ મમતા બેનરજીને સાથે લાવવાનો પ્રયાસ કરી રહી હતી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને 17 બેઠકો આપી છે.
જ્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હી, હરિયાણા, ગુજરાત, ગોવા અને ચંદીગઢ માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. તેમની જાહેરાત બાદ કોંગ્રેસે ટીએમસી સાથે સીટ વહેંચણી અંગે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શુક્રવારે સાંજે ટીએમસી દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે અમારા સ્ટેન્ડમાં કોઈ ફેરફાર થયો નથી. અમે બંગાળની તમામ 42 બેઠકો પર એકલા જ ચૂંટણી લડીશું.
ટીએમસીના એકલા હાથે ચૂંટણી લડવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું હતું કે ‘ટીએમસી સાથે હજુ પણ વાતચીત ચાલી રહી છે. TMC માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. ટીએમસીએ એમ પણ કહ્યું છે કે તેઓ ઇન્ડિયા ગઠબંધનને મજબૂત કરવા માંગે છે અને તેમનો સૌથી મોટો ઉદ્દેશ્ય ભાજપને હરાવવાનો છે.’