કોલકાતા: છેલ્લા ઘણા સમયથી દેશમાં ટ્રેન પાટા પરથી ઉતારી જવાની ઘટનાઓમાં વધારો થયો છે. એવામાં પશ્ચિમ બંગાળમાં માલ ગાડી પાટા (Train Derailed in west Bengal) પરથી ઉતારી જવાની ઘટના બની છે, જલપાઈગુડીના ન્યુ મયનાગુરી સ્ટેશન (New Mayapuri station) પર મંગળવારે વહેલી સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જે બાદ ઉત્તર-પૂર્વ તરફ જતી ટ્રેનોની અવરજવર ઠપ થઈ ગઈ છે.
અહેવાલ મુજબ આ ઘટનાને કારણે સ્ટેશનની પાણી પુરવઠાની પાઇપલાઇનને પણ નુકસાન થયું હતું. ટ્રેન પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટ્રેકને ફરી રેલ વ્યવહાર માટે ખુલ્લો કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, સવારે 6:26 કલાકે અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મયનાગુરી સ્ટેશન પર ખાલી માલગાડીના 5 વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે રેલ્વે માર્ગ પણ ખોરવાયો હતો. ઘટના બાદ ટ્રેનોને વૈકલ્પિક રૂટ પર ડાઈવર્ટ કરવામાં આવી છે. હાલમાં સમારકામનું કામ ચાલી રહ્યું છે. આ 5 લાઇનવાળું સ્ટેશન છે. અધિકારીઓએ જણાવ્યું કે આ સ્ટેશન પર પણ ટૂંક સમયમાં ટ્રેનોની અવરજવર પુનઃસ્થાપિત કરવામાં આવશે.
અલીપુરદ્વાર ડિવિઝનના અધિકારીએ જણાવ્યું કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે “અમે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટીમ તેની તપાસ કરી રહી છે.”