કોલકાતા: આ વર્ષે પહેલી વાર પશ્ચિમ બંગાળમાં આગામી રામનવમી નિમિતે એટલે કે 17 એપ્રિલએ જાહેર રજા હશે. (Ramnavami public holiday west bengal) શનિવારે બંગાળ સરકાર તરફથી એક નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી છે.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને ઘણો જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. આ વાત જાણીતી છે કે બંગાળમાં દુર્ગા પૂજા, કાલી પૂજા અને સરસ્વતી પૂજા એક મોટા તહેવાર તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રામનવમી પણ ધામધૂમથી ઉજવાય રહી છે. અન્ય ઘણા તહેવારોમાં જાહેર રાજા હતી, પરંતુ બંગાળમાં રામનવમીમાં જાહેર રજા આપવામાં આવતી નહોતી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બંગાળમાં રામનવમી પર કેટલીક જગ્યાઓ પર હિંસા થઈ હતી. જેને લઈને ભાજપે હંગામો કર્યો હતો. ભાજપે બંગાળ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર રામનવમીના દિવસે લોકોના એકત્રિત થવા અને ધાર્મિક રેલી કાઢવાના લોકોના અધિકારો પર અંકુશ લગાવવાની કોશિશ કરે છે.
આ વખતે બંગાળ સરકારની આ જાહેરાતને ચૂંટણી વર્ષ તરીકે જોવામાં આવી રહી છે. લોકો કહે છે કે TMC ચૂંટણીના વર્ષમાં હિન્દુઓ પ્રત્યે નરમ વલણ બતાવવાનો પ્રયાસ કરી રહી છે.