
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બોમ્બ બ્લાસ્ટમાં સાત વર્ષના બાળકનું મોત થયું હોવાની ઘટના જાણવા મળી છે. આ ઘટના બાદ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. લોકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આ ઘટના દૌલતાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ચુનયાદાંગા ગામમાં બની હતી. અહીં 7 વર્ષનો બાળક મુકલાસુર રહેમાન શાળાએ ગયો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બાળક સ્થાનિક પ્રાથમિક શાળામાં ભણતો હતો. દરમિયાન મધ્યાહન ભોજન લીધા બાદ તે શાળાની બહાર રમવા લાગ્યો હતો. બાળકને બોલ જેવું કંઈક દેખાયું તો તે તેને હાથમાં લઈને રમવા લાગ્યો. બાળકે બોમ્બને બોલ હોવાનું સમજીને તેની સાથે રમવાનું શરૂ કર્યું હતું. રમતા રમતા તેણે બૉલ ફેંક્યો. બોલ ફેંકતાની સાથે જ તેમાં વિસ્ફોટ થયો
હકીકતમાં આ એક જીવંત બોમ્બ હતો, જેને બાળક બોલ માનીને રમી રહ્યો હતો. બાળકે તેને બોલ સમજીને દિવાલ પર ફેંક્યો હતો. બોમ્બ દિવાલ સાથે અથડાતાની સાથે જ જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. જેમાં બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી. તે લોહીલુહાણ થઈ જમીન પર પડ્યો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા અને જોયું તો, બાળક લોહીલુહાણ હાલતમાં પડેલો હતો.
લોકો બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. જીવતો બોમ્બ શાળાની બહાર ક્યાંથી આવ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.