પશ્ચિમ બંગાળમાં એક કરોડ બોગસ મતદારો હોવાનો ભાજપનો દાવો

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં માર્ચ 2026માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જોકે, તે પૂર્વે અત્યારથી જ મતદારોની સંખ્યા મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મમતા સરકાર પર મોટો
પ્રહાર કર્યો છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે રાજ્યમાં 1 કરોડથી પણ વધારે બોગસ મતદારો છે તેમના નામ મતદાર યાદીમાંથી દુર કરવા જોઈએ. તેમણે પશ્ચિમ બંગાળમાં પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની માંગ કરી છે. સુવેન્દુ અધિકારીએ મતદાર યાદીમાં ગડબડીનો આક્ષેપ કર્યો છે.
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની માંગ કરી
પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, બિહારની જેમ પશ્ચિમ બંગાળમાં પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં એક કરોડ રોહિંગ્યા પ્રવાસી, બાંગ્લાદેશના મુસ્લિમ મતદારો, મૃત્યુ પામેલા મતદારો અને બોગસ મતદારો છે. ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે આ નામોને યાદીમાંથી દુર કરવા જોઈએ.
રાજકીય પક્ષો પાસેથી બીએલઓ લિસ્ટ માંગ્યું
બિહાર બાદ પશ્ચિમ બંગાળમાં પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. રાજ્યમાં આગામી વર્ષે માર્ચમાં ચૂંટણી યોજાવાની છે. તેમજ ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષો પાસેથી બીએલઓ લિસ્ટ માંગ્યું છે. જેના લીધે મતદાર યાદીના સુધારાની પ્રક્રિયા શરુ કરવામાં આવી શકે.
રાજકીય પક્ષોને વધુ 20,000 બીએલઓ તૈયાર કરવા પડશે
ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ દરેક રાજકીય પક્ષે દરેક બૂથ પર એક વ્યક્તિને બીએલઓ તરીકે મુકવો પડશે. આ વ્યક્તિ તે બૂથનો મતદાર હોવો જોઈએ. તેમજ બૂથ લેવલ એજન્ટનું કામ ચૂંટણી વ્યવસ્થા ઉપરાંત મતદાર યાદીમાં બદલાવ
સાથે પણ જોડાયેલું છે. તેમજ કોઈપણ મતદારનું યાદ તમામ પક્ષોના બીએલઓની સહમતિ વિના દુર કરવામાં નહી આવે. તેમજ ચૂંટણી પંચે પોલીંગ બૂથની સંખ્યા પણ 80,000 થી વધારીને 1 લાખ કરવા માંગે છે. જો આ વ્યવસ્થા થાય તો રાજકીય પક્ષોને વધુ 20,000 બીએલઓ તૈયાર કરવા પડશે.
આપણ વાંચો: ભારત માટે ખતરાની ઘંટીઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશ લશ્કરે હાથ મિલાવ્યા